ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હીરપરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માટે વિવિધ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં કરવામાં આવેલ વધારો ખેડૂતોના હિતમાં લેવાયેલ ઐતિહાસિક અને દુરંદેશી નિર્ણય છે. “ખેડૂત સમૃધ્ધ બનશે તો દેશ સમૃધ્ધ બનશે” આ મંત્રને ફરી એકવાર સાકાર કરતી કેન્દ્ર સરકારએ જગતના તાત્ માટે વિશ્વાસ, સન્માન, સુરક્ષા અને સમૃધ્ધિનો માર્ગ વધુ મજબૂત બનાવ્યો છે. સોયાબીન, બાજરી, તુવેર, કપાસ તથા તલ સહિત વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરીને નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની મહેનતને યોગ્ય સન્માન આપ્યું છે. ખાસ કરીને બાજરીમાં રૂ.૬૨૫ તથા કપાસમાં રૂ.૫૫૭નો વધારો ગુજરાતના ખેડૂતો માટે અત્યંત લાભદાયી અને પ્રોત્સાહક સાબિત થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા MSPમાં કરવામાં આવેલ વધારો માત્ર ભાવવધારો નથી, પરંતુ ખેડૂતોની મહેનત, પરિશ્રમ અને આત્મવિશ્વાસને આપવામાં આવેલ સન્માન છે. આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે અને કૃષિ ક્ષેત્ર વધુ આત્મનિર્ભર બનશે. હિરેન હીરપરાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.










































