રાજકોટની ૨૬ વર્ષીય યુવતી માટે પોતાની ઓળખ જ સૌથી મોટી મુશ્કેલી બની ગઈ છે. જન્મ મોઝામ્બીકમાં થયો, પરંતુ ઉછેર અને આખું જીવન ભારતમાં પસાર કર્યું હોવા છતાં તેને આજે સુધી ભારતીય નાગરિકતા મળી નથી. પરિણામે યુવતીને ભારતીય પાસપોર્ટ પણ મળતો નથી અને તે પોતાના પતિ પાસે કેનેડા જઈ શકતી નથી.
વર્ષ ૨૦૦૦માં મોઝામ્બીકમાં જન્મેલી આ યુવતી માત્ર ૧૮ દિવસની હતી ત્યારે તેના માતા-પિતા તેને લઈને ભારત પરત આવ્યા હતા. મોઝામ્બીકમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પરિવાર ઇમરજન્સી સર્ટિફિકેટના આધારે ભારત આવ્યો હતો. યુવતીનો ઉછેર, અભ્યાસ અને સમગ્ર જીવન ભારતમાં જ પસાર થયું છે. તેની પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમામ દસ્તાવેજા છે અને તે ઇન્કમ ટેક્સ પણ ભરે છે.
પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થઈ જ્યારે વર્ષ ૨૦૨૩માં તેણે કેનેડાના કેલગરીમાં રહેતા એનઆરઆઇ સાથે લગ્ન કર્યા બાદ પાસપોર્ટ માટે અરજી કરી. પાસપોર્ટ કચેરીએ કહ્યું કે તેનો જન્મ ભારતમાં થયો નથી અને નાગરિકતા અધિનિયમની કલમ-૪ હેઠળ મોઝામ્બીકમાં ભારતીય દૂતાવાસમાં જન્મની નોંધણી કરવામાં આવી નથી, તેથી તેને ભારતીય પાસપોર્ટ આપી શકાય નહીં.
યુવતીએ ત્યારબાદ મોઝામ્બીક હાઈ કમિશન અને ભારતીય દૂતાવાસ સુધી દોડધામ કરી. જન્મ પ્રમાણપત્ર પ્રમાણિત કરાવ્યું, પરંતુ બાદમાં વધુ દસ્તાવેજાની માંગ કરવામાં આવી. જેમાં ભારતીય નાગરિકતા નોંધણીનું પ્રમાણપત્ર અથવા નેચરલાઈઝેશન સર્ટિફિકેટ રજૂ કરવા જણાવાયું.
આ માટે યુવતી રાજકોટ કલેક્ટર કચેરી પહોંચી, પરંતુ ત્યાં તેની પાસે વિદેશી પાસપોર્ટ માંગવામાં આવ્યો. યુવતી પાસે ક્્યારેય કોઈ વિદેશી પાસપોર્ટ હતો જ નહીં. એક તરફ ભારતીય નાગરિકતા માટે વિદેશી પાસપોર્ટ જોઈએ અને બીજી તરફ વિદેશી પાસપોર્ટ વિના નાગરિકતા નહીં — આ કાનૂની ગૂંચવણમાં યુવતી ફસાઈ ગઈ છે.
અંતે યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માંગ કરી. જોકે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે નાગરિકતા અધિનિયમની કલમ ૩ અને ૪ હેઠળની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા વિના અરજદારને ભારતીય નાગરિક માનવામાં આવી શકે નહીં. સાથે જ કોર્ટે નોંધ્યું કે અરજદારના માતા-પિતાએ પણ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી નહોતી.
અરજદારના વકીલ એસ.પી મજુમદારે જણાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટે હાલ યુવતીને ભારતીય પાસપોર્ટ આપવાનો ઇન્કાર કર્યો છે. જોકે કોર્ટે તેને ફરી પાસપોર્ટ કચેરી સમક્ષ અરજી કરવાની છૂટ આપી છે અને પાસપોર્ટ ઓથોરિટીને કાયદા મુજબ યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.









































