ધારી તાલુકાના સરસીયા ગામે પતિની શંકાશીલ વૃત્તિને કારણે એક મહિલાને શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બનવું પડ્‌યું હતું. પોતાના બનેવી સાથે પત્નીના સંબંધો હોવાની ખોટી શંકા કરી પતિએ પત્ની સાથે ઝઘડો કરી મારપીટ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ અંગે કિરણબેન અનિલભાઇ દાફડાએ અનિલભાઇ કેશુભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પતિ તેની પત્ની પર પોતાના જ બનેવી સાથેના સંબંધને લઈને અવારનવાર ખોટી શંકાઓ કરતો હતો. પતિની આ આદત અને ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાની માતાને ફોન કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન પત્નીએ જણાવ્યું કે, તેના પતિ તેના પર ખોટી શંકાઓ કરી હેરાન કરે છે.આ વાત સાંભળી જતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. પોતાની પોલ ખુલી જતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને પીઠના ભાગે જોરદાર ઢીકો મારી દઈ શારીરિક ઈજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતાં, પતિએ પત્નીને બિભત્સ ગાળો આપી હતી અને ‘આજે તો તને જાનથી મારી નાખવી છે’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. બી. માઢક વધુ તપાસ કરી રહ્યા છે.