સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે અમરેલી જિલ્લા પોલીસને ઉંઘતી રાખી અમરેલી જિલ્લાના જાફરાબાદ જેટી વિસ્તારમાં ‘પ્રોહિબિશન કટિંગ’ પર ત્રાટકીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પી.આઈ. આર.કે. કરમટા અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલા આ દરોડામાં કુલ ૬,૮૫૯ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) મળી આવ્યો છે, જેની કિંમત રૂ.૨૨.૭૫ લાખથી વધુ થાય છે. દારૂનો આ જથ્થો દમણ અને મહારાષ્ટ્રની વિવિધ ડિસ્ટિલરીઝમાં બનાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.વન વિભાગ અને પોલીસની સંયુક્ત તકેદારી વચ્ચે જીસ્ઝ્રએ સ્થળ પરથી દારૂ ઉપરાંત ૬ વાહનો (રૂ.૧૦ લાખ), ૭ મોબાઈલ ફોન (રૂ.૧ લાખ), રોકડ અને અન્ય સાધનો મળી કુલ રૂ.૩૩,૮૯,૩૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી ૪ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં દારૂનો જથ્થો સ્વીકારનાર પ્રકાશ બાબુભાઈ શિયાળ, બોટલ લાવનાર ડ્રાઈવર રમેશ મેર અને મજૂરી કામ કરતા કાલુલાલ રાવત તથા વિજય બારૈયાનો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રામભાઈ બારૈયાએ મંગાવ્યો હતો. આ ગુનામાં દમણથી દારૂ મોકલનાર અજાણ્યા શખસ, બોટલ માલિક ઈસ્માઈલ પટેલિયા અને દારૂ ઉતારવામાં મદદ કરનાર અન્ય શખસો સહિત કુલ ૧૧ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મરીન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ‘તમન્ના’ નામની ફિશિંગ બોટ અને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર-રિક્ષાઓ દ્વારા આ હેરાફેરી કરવામાં આવી રહી હતી.







































