સાવરકુંડલા શહેરમાં કૌટુંબિક કલેશ અને પ્રેમસંબંધની શંકાના કારણે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીને પડોશી સાથેના પ્રેમસંબંધ બાબતે ઠપકો આપતા તે રિસામણે પિયર ચાલી ગઈ હતી, જેનું મનમાં લાગી આવતાં પતિએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.લાલજીભાઈ બાલુભાઈ મોલાડીયા (ઉ.વ. ૩૮) એ જાહેર કર્યા મુજબ, વિજયભાઈ બાલુભાઈ મોલાડીયા (ઉ.વ. ૩૫)ને તેમની પત્નીના પાડોશમાં રહેતા એક શખ્સ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. આ બાબતે પતિએ પત્નીને સમજાવવા પ્રયાસ કરી ઠપકો આપ્યો હતો. જોકે, પત્નીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પતિ સાથે ઝઘડો કર્યો હતો અને પિયર ચાલી ગઈ હતી. પત્નીના આવા વર્તન અને ઘરકંકાસથી યુવક માનસિક રીતે ભાંગી પડ્‌યો હતો. અંતે, આત્મઘાતી પગલું ભરતા યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.