સાવરકુંડલા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા ગાંધી ધર્મશાળા ખાતે વિજેતા અને પરાજિત ઉમેદવારો તેમજ કાર્યકરોનું એક ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે અમરેલીના પૂર્વ સાંસદ સ્વ. નવીનચંદ્રભાઈ રવાણીની ૫મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કાર્યકરોએ હાજરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ટેલિફોનિક સંબોધન દ્વારા કાર્યકરોમાં પ્રાણ ફૂંકતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતા જનાર્દનનો નિર્ણય હંમેશા શિરોમાન્ય હોય છે. વિજેતાઓને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે પરાજિત ઉમેદવારોએ જરા પણ નિરાશ થયા વગર લોકોના પ્રશ્નો માટે લડતા રહેવાનું છે. કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીએ આંકડાકીય વિગતો આપતા ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, ગઈ ચૂંટણીમાં આપણી પાસે માત્ર ૫ બેઠકો હતી, જે આ વખતે વધીને ૧૧ થઈ છે. અનેક બેઠકો આપણે નજીવા મતોથી ગુમાવી છે.