અમરેલીના કુકાવાવ રોડ પર ખોડીયાર મંદિર પાસે કાર્યરત ‘મોગલ કૃપા એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પેઢીના પ્રોપરાઇટર પ્રતાપભાઈ મનુભાઈ જેબલિયા દ્વારા આચરવામાં આવતી ગંભીર ગેરરીતિઓ ઝડપી પાડવામાં આવી હતી.અમરેલી (શહેર)ના મામલતદાર અને તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કલ્પેશકુમાર કુબેરભાઇ દવેએ (ઉં.વ.૪૨) પ્રતાપભાઈ જેબલિયા સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાનગી વગર સંગ્રહ કરાયેલ ૯,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. બાયોડીઝલના નામે વેચવામાં આવતા આ ભેળસેળયુક્ત જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૭,૮૭,૫૦૦/- આંકી તેને સીઝ કરવામાં આવ્યો છે.આરોપી પાસે એક્સ્પ્લોઝિવ લાયસન્સ, સ્ટોરેજ લાયસન્સ કે વહીવટી તંત્રનું ‘ના વાંધા પ્રમાણપત્ર’ (ર્દ્ગંઝ્ર) જેવી કોઈ પણ જરૂરી મંજૂરીઓ નહોતી. રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારમાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરી ગંભીર જોખમ ઊભું કરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા આ ભેળસેળયુક્ત ઇંધણને ‘અલ્ટ્રાપ્રીમિયમ ડીઝલ’ તરીકે ઓળખાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. પેઢી પર ડેન્સિટી રજિસ્ટર કે ખરીદ-વેચાણના બિલો જેવા કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા. આ ઉપરાંત, સલામતી માટે અત્યંત જરૂરી એવા ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો. હાલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.બી. ભટ્ટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































