પત્નીની હત્યાના ગંભીર આરોપમાં નીચલી અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારેલા પાટણના એક પતિને ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કેસમાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી અને રજૂ કરાયેલા સાંયોગિક પુરાવાઓની કડી પૂર્ણ રીતે સાબિત થતી નથી.

આ સમગ્ર કેસ વર્ષ ૨૦૧૩ માં ચાણસ્મા પોલીસ મથકે નોંધાયો હતો. આરોપી પતિ વારંવાર પત્ની પર શંકા કરી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતો હોવાના ઘરેલુ હિંસાના આક્ષેપો સાથે પત્નીના મૃત્યુબાદ હત્યાની ફરિયાદ દાખલ કરાઈ હતી. ઘટના સમયે દંપતીને ૧૪ વર્ષનો દીકરો હતો. મૃતકના પિયરીયાઓને મોતના સમાચાર મળતા તેઓ સાસરે પહોંચ્યા ત્યારે મૃતકના ગળા પર નિશાન જાવા મળ્યા હતા અને આરોપી પતિ ઘરેથી ગાયબ હોવાનું કહેવાયું હતું. આ આધાર પર પોલીસે તપાસ હાથ ધરી કેસ સેશન્સ કોર્ટમાં ચલાવ્યો હતો.

પાટણની સીટી સેશન્સ કોર્ટે ૨૦૧૭ માં ૨૫ સાક્ષીઓ અને ૨૩ દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપી પતિને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે ઘટના સમયે પતિ-પત્ની એકલા ઘરમાં હતા અને પતિને દારૂ પીવાની આદત હતી. જોકે, બચાવ પક્ષે આ દલીલને ફગાવતા કહ્યું કે કથિત અત્યાચાર અંગે અગાઉ ક્્યારેય કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી અને ઘટનાનો એક પણ પ્રત્યક્ષ સાક્ષી હાજર નથી.

ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાની સામે થયેલી અપીલની સુનાવણી કરતા મહત્વપૂર્ણ અવલોકન નોંધ્યું. કોર્ટે જણાવ્યું કે પ્રોસિક્યુશનનો સંપૂર્ણ કેસ માત્ર સાંયોગિક પુરાવાઓ પર ટકેલો છે. રજૂ થયેલા સાક્ષીઓ મૃતકના સંબંધીઓ હતા, જેઓ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી નહોતા. સાથે જ આરોપીના કેટલાક પરિવારજનો કોર્ટમાં હોસ્ટાઈલ થઈ જતા આરોપ વધુ નબળો સાબિત થયો.

અદાલતે સ્પષ્ટ કહ્યું કે ઘટનાની પરિસ્થિતિને જોડતી પુરાવાની કડી પૂર્ણ રીતે સળંગ થતી નથી અને આરોપી વિરુદ્ધનો ગુનો શંકાથી પરે સાબિત થઈ શક્યો નથી. આ પરિસ્થિતિમાં આરોપીને શંકાનો લાભ આપવો જ ન્યાયોચિત ગણાય. પરિણામે, હાઈકોર્ટે સેશન્સ કોર્ટની સજા રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો.

આ કેસમાં અરજદાર વતી રજૂઆત કરનાર વકીલ યોગેન્દ્ર ઠાકોરે ચુકાદા પછી જણાવ્યું કે, ‘પ્રોસિક્યુશનના પુરાવા પૂરતા મજબૂત નહોતા. કોઈ પ્રત્યક્ષ સાક્ષી ન હતો અને માત્ર અનુમાનના આધારે સજા આપવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ પાસાઓનું બારીકાઈથી વિશ્લેષણ કરી યોગ્ય ન્યાય આપ્યો છે.’