ગુજરાતની મહાનગરપાલિકાઓના પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. ૨૦૨૧ની સરખામણીએ ભાજપે આ વખતે વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને મહાનગરોમાં ભાજપની સીટોમાં ધરખમ વધારો થયો છે. જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે સુપર ડુપર પ્રદર્શન કર્યું છે. પરંતું આમ આદમી પાર્ટીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં. ભાજપે ત્યાં જ મોટો ઝટકો લાગ્યો, જ્યાં સરકારે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બનાવી. અહી ભાજપ સાથે અયોધ્યાવાળી થઈ ગઈ.
ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાસ કંઈ ઉકાળી ન શકી. પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના ગામડાઓમાં આપનું ઝાડું ફરી વળ્યું છે. જેની ક્રેડિટ આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાને વ્યક્તિગત રીતે આપવું પડે.
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે, ગત વર્ષે જ્યાં પાર્ટી માત્ર ૬૯ સીટ પર સમેટાઈ ગઈ હતી, ત્યાં હવે સંખ્યા વધીને ૬૫૦ થી વધુ બેઠક થઈ ગઈ છે. લગભગ ૧૦ ગણો વધારો. નર્મદા જિલ્લા પંચાયત પર બહુમત હાંસિલ કરવી અને ૧૨ થી વધુ તાલુકા પંચાયતમા જીત મેળવવી એ સાબિત કરે છે કે, આમ આદમી પાર્ટી શહેરોમાં નહિ, પરંતું ગ્રામીણ અને આદિવાસી મતદારોનો અવાજ બની રહી છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રભુત્વવાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત કબજે કરી છે. જ્યાં ભાજપે દુનિયાની સૌથી ઉંચી મિર્તિ બનાવી, જ્યાં ભાજપ સરકારે સામાજિક આર્થિક પરિવર્તનની વાત કરી હતી. ત્યાં જ ભાજપને અયોધ્યા જેવી હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યાં રામ મંદિરના નિર્માણ બાદ પણ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે.
આમ આદમી પાર્ટીએ આ વખતે એક જિલ્લા પંચાયત અને ૧૨ તાલુકા પંચાયત પર કબજા કર્યો છે. આમ આદમી પાર્ટીનું આ શાનદાર પ્રદર્શન છે. જેને ૩૭ વર્ષીય આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો વ્યક્તિગત પ્રભાવ કહી શકાય. આદિવાસી મુદ્દો અને હકને લઈને સતત સંઘર્ષ કરતા ચૈતર વસાવાને અહી જનાધાર મળ્યો છે. જમીન વિવાદ, જંગલ અધિકાર, સ્થાનિક સમસ્યાઓના મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યાં છે.
ગત વર્ષે ચૈતર વસાવાની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લાગ્ય હતો કે, તેઓએ સરકારી અધિકારી પર જીવલેણ હુમલો કર્યો હતો. વસાવાને ભલે થોડો સમય જેલમાં રહેવુ પડ્યું, પરંતુ રાજકીય રીતે આ તેમના માટે ફાયદાકારક રહ્યું. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જીત એવા સમયે હાંસિલ થઈ છે, જ્યાં સુરતમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ૨૭ માંથી માત્ર ૪ બેઠકો પર સીમિત રહી ગઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકારણ સાથે ગ્લેમર, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટી પાવર પણ ચર્ચામાં રહ્યા. પાર્ટીઓએ જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. ક્યાંક સોશિયલ મીડિયા સ્ટાર્સના સિતારા ચમક્યા. તો ક્યાંક જાણીતા નામોને મતદારોએ નકારી કાઢ્યા. સેલિબ્રિટી ઉમેદવારોના પરિણામો હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ગુજરાતની રાજનીતિમાં નવા સંકેતો આપ્યા છે. શહેરી મતદારોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂકયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં કેટલાક એવા ઉલટફેર થયા છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. દિગ્ગજાના ગઢ ધ્વસ્ત થયા છે. તો અનેક ચર્ચિત ઉમેદવારોને કારમી હાર મળી છે. જેમાં ભૂપત ભાયાણી, આઈપીએસ મનોજ નિનામા, વશરામ સાગઠીયા જેવા નામ સામેલ છે.