અમરેલી જિલ્લામાં સામાન્ય બાબતે થતા ઝઘડાઓ લોહિયાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. અમરેલીમાં પોતાની જ શેરીમાં ઊભેલા એક યુવકને મોટરસાઇકલ સાઇડમાં રાખવાનું કહેવું ભારે પડ્‌યું હતું. બાઇક હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે અન્ય ત્રણ સાગરીતો સાથે મળી યુવકને બેફામ ગાળો આપી, ઈંટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ અંગે સંજયભાઈ રમેશભાઈ ચાવડા (ઉ.વ.૩૨) એ જયંતભાઈ અશોકભાઈ મહીડા, હાર્દિકભાઈ અશોકભાઈ મહીડા, અશોકભાઈ અરજણભાઈ મહીડા તથા રમેશભાઈ અરજણભાઈ મહીડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી જ્યારે પોતાની શેરીમાં ઊભા હતા, ત્યારે આરોપી જયંતભાઈ મહીડા પોતાની મોટરસાઇકલ લઈને ત્યાં આવ્યો હતો. શેરીમાં અવરોધ ન થાય તે હેતુથી તેમણે આરોપીને તેનું બાઇક સાઇડમાં મૂકી દેવા જણાવ્યું હતું. આ સામાન્ય વાતમાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ગંદી ગાળો આપી હતી. તેમજ ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી તેના માથામાં ઝીંકી દીધી હતી.હુમલો એટલો ગંભીર હતો કે યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન ત્રણ ટાંકા લેવા પડ્‌યા હતા. ઘટના દરમિયાન ત્યાં હાજર અન્ય આરોપીઓએ તેને ઘેરી લીધો હતો અને ઢીંકાપાટુનો મૂઢ માર માર્યો હતો.
ચારેય શખ્સોએ ભેગા મળી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.