સુરતના ઉધના હરિનગર વિસ્તારમાં ૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મોડી સાંજે હત્યાની ઘટના બની હતી. જમવાની બાબતને લઈ સામાન્ય બોલાચાલ થઈ હતી, જેમાં સગા પુત્રએ માતાની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોતાની બહેન માટે જમવાનું શા માટે નહીં બનાવ્યું કહી પુત્રએ ઝઘડો કર્યો હતો. આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હરિનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પુત્ર મેહુલ માતા પ્રતિક્ષા શાહ જાડે ઝઘડો કરતો હતો, ત્યારે પિતા હર્ષદ શાહ વચ્ચે પડ્યા હતા. આ સમયે ઉશ્કેરાયેલા પુત્ર મેહુલે પિતાનું ગળું દબાવતા, વચ્ચે પડેલી માતાને ધક્કો મારતા પ્રતિક્ષાબેન મોતને ભેટી હતી. હત્યારો પુત્ર ડ્રાઇવિંગના ધંધા સાથે સંકળાયેલ છે. સગા પુત્રના હાથે જ માતાનું અવસાન થતા ઉધના હરિનગર વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે ભારે શોક છવાયો છે.
હત્યારા પુત્ર વિરુદ્ધ પિતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ ઘોર કળિયુગની ઘટનામાં વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.










































