જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બગડુ ગામે એક પરિણીતાને તેના જ પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી, મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ઘરકંકાસનો આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે.હાલ મોટી કુંકાવાવમાં રહેતી રિધ્ધીબેન ગીરીશભાઇ હરીયાણી (ઉ.વ. ૩૪)એ ગૌતમભાઇ અશ્વિનભાઇ ગોડલીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૦૪/૦૧/૨૦૨૬ના રોજ સવારે નવેક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે પરિણીતા અને તેના પતિ ઘરે હાજર હતા, ત્યારે નણંદનો છોકરો અને સાસુના ખોળામાં બેસેલી બાળકી અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. બાળકોને શાંત રહેવા કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. પતિએ ‘તું તારા ઘરે જતી રહે, મારે તને રાખવી નથી’ તેમ કહી બળજબરીપૂર્વક કાઢી મૂકી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. ભાલસડિયા વધુ તપાસ કરી રહ્યા છે.








































