સિવિલ હોસ્પિટલના મહિલા પટાવાળાએ રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ આકસ્મિક ઘટનાએ હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ ગત રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યાના બીજા જ દિવસે તેમણે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ ફરજ બજાવતા અને હજુ ગઈકાલે જ નોકરી છોડનાર વ્યક્તિના આ પગલાંથી અનેક સવાલો ઉભા થયા છે.
બનાવની જાણ થતાં જ જૂનાગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાતા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, શું મહિલા પર નોકરી દરમિયાન કોઈ પ્રકારનું માનસિક દબાણ હતું રાજીનામું આપવા પાછળનું સાચું કારણ શું હતું? શું આ કોઈ અંગત કે કૌટુંબિક વિખવાદનું પરિણામ છે? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. એક મહિલા કર્મચારીના આવા પગલાંથી હોસ્પિટલ પરિસરમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.