કસ્ટમ વિભાગે વલસાડના દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન મસમોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ વિભાગના અધિકારીઓ દમણથી વલસાડના કોલાકના દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે દરિયાકાંઠેથી પસાર થઈ રહેલી એક બોટમાં શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેને ઇન્ટરસેપ્ટ કરાઈ હતી. બાદમાં તેની તપાસ કરતા તેમાંથી બોક્સમાં પેકિંગ ૧૮,૬૭૨ દારૂની બોટલો મળી આવી હતી. અંદાજિત રૂપિયા ૫૫ લાખની કિંમતનો આ દારૂ સાથે આઠ બુટલેગરોની ધરપકડ કરાઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદ કસ્ટમ કમિશનર અને એડિશનલ કમિશનરની સૂચનાથી વલસાડના ડેપ્યુટી કમિશનર તથા તેમના અધિકારીઓએ ૧૬ માર્ચથી કસ્ટમની સ્પીડ મોટર બોટની મદદથી દરિયામાં થતી દારૂની હેરાફેરી રોકવા માટેનું એક અભિયાન શરૂ કર્યું હતું. તેના ભાગરૂપે હાલ દમણ અને ગુજરાતની વચ્ચે થતી દારૂની હેરાફેરી રોકવા માટે પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવતા આજરોજ આ દારૂની હેરાફેરીનો પર્દાફાશ છે.
કસ્ટમ વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં આજે ૧૭મી એપ્રિલે સવારે એક શંકાસ્પદ બોટને ઇન્ટરસેપ્ટ કરીને તેને રોકવામાં આવી હતી. બોટ પરથી આઠ જેટલા શખ્સો મળી આવ્યા હતા. જેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓ બોટની અંદર મોટી માત્રામાં દમણથી દારૂ લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા બોટમાંથી કુલ ૧૮,૬૭૨ દારૂની બોટલો મળી આવી હતી. જેની અંદાજીત કિંમત ૫૫ લાખ રૂપિયા થાય છે. જેથી આ ૫૫ લાખની કિંમતનો દારૂ જપ્ત કરી બોટ પર હાજર આઠેય શખ્સોને કોલાક દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા અને આગળની કામગીરી વલસાડના પારડી પોલીસને સોંપી દેવામાં આવી હતી.
આ અંગે કસ્ટમ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, દમણથી દારૂની બોટલો ટ્રાન્સપોર્ટની અંદર લઈ જવી મુશ્કેલીભર્યું લાગતું હોવાથી અને પોલીસના પકડાઈ જવાના ભયને કારણે હવે ગુજરાત અને દમણની વચ્ચે દરિયાઈ મુસાફરી કરીને હેરાફેરી કરવાનો માર્ગ સરળ હોવાથી બુટલેગરોએ દરિયાનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ કસ્ટમના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે આ બોટ પકડાઈ ગઈ છે. વલસાડ પોલીસ ત્યારે જ દારૂ પકડી શકે જ્યારે દારૂની પેટી બોટની અંદરથી બહાર ટ્રાન્સપોર્ટમાં આવી જાય. પરંતુ દરિયાઈ પટ્ટી એ કસ્ટમના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી કસ્ટમના અધિકારીઓએ દારૂ ભરેલા બોક્સ વલસાડના કોઈપણ કિનારે ઉતરે તે પહેલા જ બોટને પકડી લીધી હતી.









































