ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી અંદાજે ૪૫,૦૦૦ ચોરસ મીટરથી વધુની કિંમતી જમીન પરત લેવાના રાજ્ય સરકાર અને કલેક્ટરના નિર્ણયને કોર્ટે માન્ય રાખ્યો છે. આ જમીન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સની નજીક હોવાથી આગામી સમયમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.
આ કેસમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી જીપીએસ આધારિત સેટેલાઇટ માપણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારી રેકોર્ડ મુજબ આશ્રમને ૩૩,૯૮૦ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ સેટેલાઇટ ડેટામાં જાણવા મળ્યું કે આશ્રમનો વાસ્તવિક કબજા ૫૦,૦૦૦ ચોરસ મીટર સુધી વિસ્તરેલો હતો. આ ડેટા છેડછાડ-મુક્ત હોવાથી કોર્ટે તેને અતિક્રમણ નક્કી કરવા માટેનો સૌથી વિશ્વસનીય આધાર માન્યો હતો.
અદાલતે અવલોકન કર્યું કે આસારામ આશ્રમે શરતોનો વારંવાર ભંગ કર્યો છે અને જાહેર જમીન પર ગેરકાયદે દબાણ કરીને ‘આદત મુજબ ગુનો કરનાર’ તરીકે વર્તન કર્યું છે. આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની માંગણીને પણ કોર્ટે ફગાવી દીધી હતી. સરકારી વકીલ જી.એચ. વિર્કે દલીલ કરી હતી કે આ કાર્યવાહી કોઈ પક્ષપાત વિના, નોટિસો અને ૨૦થી વધુ સુનાવણી બાદ કાયદાના કડક પાલન સાથે કરવામાં આવી છે.
આ ચુકાદા બાદ હવે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર માટે આ વિશાળ જમીનનો કબજા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ જમીન રમતગમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉપયોગમાં લેવાશે, જે ગુજરાત માટે વૈશ્વિક સ્પોર્ટ્‌સ હબ બનવાની દિશામાં મોટું કદમ સાબિત થશે.