ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના ધમધમાટ વચ્ચે રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને શિસ્તભંગ કરનારા ૧૬ જેટલા સક્રિય કાર્યકરો અને પદાધિકારીઓ સામે લાલ આંખ કરી છે અને તેઓને ૫ વર્ષ માટે પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા આ ૧૬ સભ્યો વડોદરા અને મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૂચના અનુસાર, જે કાર્યકરોએ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા છે અથવા તો કોંગ્રેસ જેવા અન્ય પક્ષોમાં જાડાઈને ઉમેદવારી કરી છે, તેમની સામે આ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓમાં મોટા ભાગે તાલુકા કક્ષાએ પદાધિકારીઓનો સમાવેશ થાય છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારા આ નેતાઓને હવે ૫ વર્ષ સુધી ભાજપમાં કોઈ સ્થાન મળશે નહીં.
મળતી માહિતી મુજબ, વડોદરાના પાદરા નગર પાલિકામાં ભાજપના મંત્રી તરીકે હોદ્દો ધરાવતા નરસિંહભાઈ દાનભાઈ પટેલે પાદરા નગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયામાં ભાજપના ત્રણ નેતાઓ પર શિસ્ત ભંગના પગલાં લેવાયા છે. જેમાં વિશાલ હરીશભાઈ પરીખે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જ્ઞાનશરણ નાગજીભાઈ પટેલ પણ અપક્ષ તરીકે રવાલ તા.પં. અને જયેશભાઈ શંકરભાઈ રબારી જેઓ આઇટી સેલના જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદ્દેદાર છે. તેમણે પણ અપક્ષમાંથી ઉમેદવારી કરતાં પક્ષે સસ્પેન્ડ કર્યા છે.
આવી જ રીતે સાવલી તાલુકાના ભાજપના નેતા આકાશ પટેલ કે જેઓ નગર ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ છે. તેઓએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા બદલ તથા તેમની સાથે નીલેશભાઈ રાજેશભાઈ પરમાર કે જેઓ સ્થાનિક ભાજપમાં કારોબારી સભ્ય છે તેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા ભાજપે તે બંનેને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ વડોદરામાં સક્રિય કાર્યકર નયના રાજુભાઈ પરમાર કે જેમણે પોર જિલ્લા પંચાયતમાંથી પક્ષની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરતાં તેમને સસ્પેન્ડ કર્યા છે.
આ ઉપરાંત વડોદરા ભાજપના અનુસૂચિત જાતિ મોરચા તાલુકા પ્રમુખ રાજુભાઈ રમેશભાઈ પરમારે અપક્ષ તરીકે ઉમેદવારી કરતાં તેમની સામે કાર્યવાહી કરીને ભાજપે બરતરફ કર્યા છે. જ્યારે ડભોઈ તાલુકામાં પણ પૂર્વ નગર ભાજપ ઉપપ્રમુખ સમીરભાઈ કિરીટભાઈ પટેલે અપક્ષ અને પૂર્વ કોર્પોરેટર સલીમભાઈ નુરભાઈ ઘાંચીએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધવતા તેઓને પક્ષમાંથી હાંકી કઢાયા છે. તો કરજણ મંડળમાંથી વેમાર ગામના બૂથ પ્રમુખ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલે તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હોવાથી તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફક્ત વડોદરા નહીં મહેસાણામાં પણ ભાજપના પાંચ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના આ કડક વલણથી રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે શિસ્ત અને પક્ષ પ્રત્યેની વફાદારી સર્વોપરી છે. ચૂંટણીના ટાણે જ આટલી મોટી સંખ્યામાં પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને ભાજપે અન્ય બળવાખોર કાર્યકરોને પણ કડક ચેતવણી આપી દીધી છે. આ નિર્ણયથી આગામી ચૂંટણીના પરિણામો પર શું અસર પડશે તે તો જાવું રહ્યું!