સાવરકુંડલાના ઘાંડલા ગામે પરિણીતાને કરિયાવર બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો કિસ્સો સામે આવ્યો હતો. પરણિત જીવનના લાંબા સમય બાદ પણ સાસરિયાં દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરી પરિણીતાને પિતા વિશે અપશબ્દો બોલી હેરાન કરવામાં આવતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ તાતણીયા ગામે રહેતી શિલ્પાબેન ઘુસાભાઇ ઝાંઝમેરાએ ઘાંડલા ગામે રહેતા પતિ સંજયભાઇ રવજીભાઇ વોરા, સસરા રવજીભાઇ ભવાનભાઇ વોરા, સાસુ વિજયાબેન રવજીભાઇ વોરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના લગ્ન ગત ૧૪/૧૧/૨૦૧૬ના રોજ સંજયભાઈ વોરા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પતિ (અવાર-નવાર નજીવી બાબતોમાં તેમની સાથે માથાકૂટ કરી મારપીટ કરતો હતો. માત્ર પતિ જ નહીં, પરંતુ ઘરના અન્ય સભ્યોએ પણ તેનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. ઘરકામ જેવી બાબતોમાં અવાર-નવાર બોલાચાલી કરવામાં આવતી હતી અને તેના સ્વર્ગસ્થ પિતા વિશે પણ કોઈપણ કારણ વગર ગાળાગાળી કરવામાં આવતી હતી. આ ઉપરાંત, તું પૂરતો કરિયાવર લાવી નથી તેમ કહી મેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વધુ કરિયાવર લાવવાની બાબતે અવાર-નવાર ઝઘડા કરી અપશબ્દો બોલવામાં આવતા હતા.







































