ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ છતાં મધ્ય પૂર્વમાં તણાવ યથાવત છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે. આ દેશો વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. મધ્ય પૂર્વમાં આ પરિસ્થિતિ વચ્ચે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન વાતચીત કરી. અહેવાલો દર્શાવે છે કે બંને નેતાઓએ ૪૦ મિનિટ સુધી વાત કરી.
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરના જણાવ્યા મુજબ, વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધી અંગે ચર્ચા કરી. અમેરિકાના રાજદૂતે એમ પણ કહ્યું કે આગામી દિવસો અને અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહિત અનેક મહત્વપૂર્ણ કરારો થવાની અપેક્ષા છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચેની વાતચીત વિશે માહિતી આપી છે. ગોરના જણાવ્યા મુજબ, ટ્રમ્પે વડા પ્રધાન મોદીને કહ્યું, “હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અમે બધા તમને પ્રેમ કરીએ છીએ.” સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત-અમેરિકન સંબંધો મજબૂત સ્થિતિમાં છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની વાતચીત વિશે પણ માહિતી આપી. પીએમ મોદીએ તેમના સત્તાવાર ઠ હેન્ડલ પર જણાવ્યું હતું કે, “મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં અમારી વ્યાપક વૈશ્વીકવ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મુક્યો.”