વડીયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામે જીવદયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. ગામની જાગૃત મહિલાઓએ એકત્રિત થઈને મૂંગા જીવો પ્રત્યે અપાર સંવેદના દાખવી છે. આ ભગીરથ કાર્ય અંતર્ગત ૧,૧૧૧ શ્રીફળમાં કીડીયારું પૂરવા સહિત ૨૫૧ ચકલીઘરના વિતરણનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન સમગ્ર ગામમાં કોઈ મોટા ઉત્સવ જેવો ભવ્ય અને પવિત્ર માહોલ જોવા મળ્યો હતો. આ સેવા યજ્ઞ માટે મહિલાઓએ સતત પાંચ દિવસ સુધી ભારે પરિશ્રમ કર્યો હતો. જેમાં કુલ ૧,૧૧૧ શ્રીફળોને ડ્રિલ મશીન વડે ખૂબ જ ચોકસાઈપૂર્વક કાણાં પાડીને તૈયાર કરવામાં આવ્યા હતા. કીડીઓના પૌષ્ટિક આહારને ધ્યાનમાં રાખીને આ તમામ શ્રીફળોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલનું ખાસ મિશ્રણ બનાવીને ભરવામાં આવ્યું હતું.







































