ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે ટી ૨૦ વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનો બચાવ કર્યો હતો. વરુણ છેલ્લી કેટલીક મેચમાં સારું પ્રદર્શન કરી શકયો નથી, તેવામાં કેપ્ટનને ભરોસો છે કે ટી૨૦ની ફાઈનલમાં વરુણ નંબર વન બોલર સાબિત થશે.
કેટલાક સમયથી વરુણના ફોર્મ અંગે ચિંતાઓ હતી. વરુણે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં ચાર ઓવરમાં ૬૪ રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. વરુણે સેમિફાઇનલમાં ૧૬ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. વરુણ ટીમમાં એક અનુભવી સ્ટાર ખેલાડી છે, પરંતુ તેનું ફોર્મ ન હોવું ચિંતાનો વિષય છે. ભારત ફાઇનલમાં વરુણની જગ્યાએ સ્પિનર કુલદીપ યાદવને લેશે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જા કે, સૂર્યકુમાર યાદવે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
સૂર્યકુમારે ફાઇનલના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “વરુણ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે મેચ જીતી, આ એક ટીમ સ્પોર્ટ્સ છે. અમારું ધ્યાન એક ટીમ તરીકે પ્રદર્શન કરવા પર છે. જ્યારે આપણે જીતીએ છીએ કે હારીએ છીએ, ત્યારે અમે વ્યક્તિગત પ્રદર્શન વિશે વિચારતા નથી. ટીમમાં ૧૧ ખેલાડીઓ હોય છે અને દરેક જણ એક જ દિવસે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી. એક કે બે ખેલાડીઓનો દિવસ ખરાબ હોઈ શકે છે. એ દિવસે આપણે ખરાબ પ્રદર્શનને કવર કરવું પડે છે.”
સૂર્યકુમારે કહ્યું કે, “વરુણ નંબર વન બોલર છે. અમે જાણીએ છીએ કે ક્્યારે શું કરવું અને વિરોધી ટીમ સામે કેવી રીતે બોલિંગ કરવી. તે જાણે છે કે કેવી રીતે આગળ વધવું અને આપણા માટે મેચ કેવી રીતે જીતાડવી. મને વિશ્વાસ છે કે તે કરશે.” ટાઇટલ મુકાબલા માટે પ્લેઇંગ-૧૧માં ફેરફાર વિશે પૂછવામાં આવતા કેપ્ટને કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. સૂર્યકુમારે કહ્યું કે, “શું ફેરફાર કરવામાં આવશે તે ફક્ત મેચના દિવસે જ જાણી શકાશે.”
રોહિત શર્માને લઈને સૂર્યકુમારે કહ્યું કે, “મારા ડેબ્યૂના છ વર્ષ પછી ટીમને ફાઈનલમાં લઈ જવી એ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ વિશેષ વાત છે. હા, હું થોડો નર્વસ છું, પરંતુ અમે તેના વિશે વધુ વાત કરી નથી. ભલે હું કેપ્ટનશીપ કરી રહ્યો છું, હું રોહિત શર્માના પગલે ચાલી રહ્યો છું. મેં રોહિત સાથે ઘણી મેચ રમી છે અને મને ખ્યાલ છે કે તેઓ શું વિચારે છે. હું તે વ્યૂહરચના અને વિચારોને અમલમાં મૂકવા માંગુ છું. ગૌતી ભાઈ (કોચ ગંભીર) પણ ખૂબ મદદરૂપ થયા છે.”
ટીમના યુવા ખેલાડીઓને સલાહ આપવા અંગે સૂર્યકુમારે સ્પષ્ટતા કરી કે, તે તેમને ભાષણ આપવા માટે મોટા ભાઈ કે પિતા જેવો નથી. તેમણે કહ્યું, “તમે આ ખેલાડીઓને જેટલી વધુ સ્વતંત્રતા આપશો, તેટલું તેઓ સારું પ્રદર્શન કરશે. હું નર્વસ છું, પરંતુ દબાણ નહીં હોય તો તેમાં મજા પણ નહીં આવે. કોઈપણ કઠિન નિર્ણયો હું અને કોચ સંયુક્ત રીતે લઈએ છીએ. જ્યારે અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, ત્યારે તે ખુશ ન હતો. અમે તેને સમજાવ્યું કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો.”









































