ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લામાં કંઈ પણ અજાણી વસ્તુઓ મળી આવે તો એ વાત ચર્ચાનો વિષય બની જતી હોય છે, ત્યારે ગઈકાલે પણ આવો જ એક આશ્ચર્ય પમાડનાર કિસ્સો કચ્છ જિલ્લાના ભુજ શહેરમાંથી સામે આવ્યો છે. ભુજ શહેરમાં ગઈકાલે રાતના સમયે આકાશમાં રહસ્યમય લાઈટો દેખાતા કુતૂહલ સર્જાયું હતું અને સાથે જ આ અજાણી લાઈટોને કારણે સ્થાનિકો ભયભીત થયા હતા. જાકે હકીકતમાં આ શું વસ્તુ છે? તે અંગે કોઈએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેવો ચોંકાવનારો ખુલાસો થયો સ્થાનિક પોલીસની તપાસમાં છે.
ભુજ શહેરના આકાશમાં ગઈકાલે રહસ્યમય લાઈટો દેખાતા લોકોમાં કૌતુક સર્જાયું હતું. મળતી માહિતી મુજબ, ભુજના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા અને ભીડ નાકા પાસે આ રહસ્યમય રંગબેરંગી લાઈટો દેખાઈ હતી. જેનો સ્થાનિક લોકોએ વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં પણ આકાશમાં દેખાઈ આ રંગબેરંગી લાઈટો થોડા સમય દેખાયા બાદ અચાનક અંધારામાં ગાયબ થઈ જતી દેખાઈ હતી.
કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં કોઈ પણ પ્રકારની આવી અનોખી બાબતો સામે આવતા જ ચર્ચાઓ શરૂ થાય જ છે. એવી જ રીતે ગઈકાલે શુક્રવારે રાતના સમયે અંધારામાં ભુજના આકાશમાં રંગબેરંગી લાઈટો દેખાતા ભુજવાસીઓ આશ્ચર્યમાં મુકાયા હતા અને આ બાબતે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. જાકે આ રહસ્યમય લાઈટો ખરેખર શેની હતી તે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરી ચોંકાવનારો ખુલાસો થયો છે.
ભુજના આકાશમાં રાતે દેખાયેલી આ રંગબેરંગી રહસ્યમય લાઈટો અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ગઈકાલે ભુજના આકાશમાં બીજું કંઈ નહીં, પરંતુ લાઈટવાળા ફુગ્ગાઓ હતા. ભુજના પ્રાગ મહેલમાં એક સમારોહમાં આ લાઈટવાળા ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હતા. જે આખા વિસ્તારમાં આકાશમાં ઉડતા થયા હતા અને આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ભયભીત થયા હતા. જાકે પોલીસની તપાસમાં કોઈએ વિચાર્યું પણ ન હોય તેવું સત્ય સામે આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા છે.