સુરત સાઇબર ક્રાઇમે રૂપિયા પડાવતી ગેંગના સાગરિતને ઝડપીને એક નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓના નામે નકલી ઇ-ચલણની લિંક મોકલીને રૂપિયા પડાવતી હતી. સુરત સાઇબર ક્રાઇમે ગેંગના સાગરિત બોદુ પલેજાને જૂનાગઢથી ઝડપીને આ લોકોને છેતરતી મોટી ગેંગના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
આરોપીઓ વોટ્સએપ પર ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલતા હતા. તેઓ ફાઇલ મોકલીને પછી મોબાઇલ હેક કરીને ઓનલાઇન નાણાની ચોરી કરતા હતા. આરોપી જૂનાગઢમાં નોકરી કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. આ નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. પોલીસે લોકોને સાવધ રહેવા અપીલ કરતા જણાવ્યું છે કે અજાણ્યા નંબર પરથી આવતી ફાઇલ ડાઉનલોડ કરવામાં ન આવે. પોલીસે લોકોને સત્તાવાર વેબસાઇટ પરથી જ ચલણ ચેક કરવા અપીલ કરી છે.
આ ઘટના બતાવે છે કે લોકોને છેતરવા માટે સાઇબર ગઠિયાઓ કેવા-કેવા પ્રકારના કીમિયા અજમાવે છે. લોકોએ સાવધ રહેવું જરૂરી છે. જા લોકો સાવધ નહીં રહે તો તેમના બેન્ક ખાતા ક્્યારે ખાલી થઈ જશે તેની તેમને ખબર પણ નહીં પડે. સાઇબર ગઠિયા નવા યુગનો નવો પડકાર છે. તેમનો શિકાર મોટાભાગે ટેકનોલોજીની પૂરતી જાણકારી ન ધરાવતા અને અસાવધ લોકો છે. આ સિવાય લોભિયાઓ પણ તેની જાળમાં ફસાય છે.
પોલીસનું કહેવું છે કે રાજ્યમાં સાઇબર ગઠિયાઓની અનેક ગેંગ પણ હોઈ શકે છે. આ તો તેઓએ એક ગેંગ પકડી છે. આ સિવાય બહારના રાજ્યના સાઇબર ગઠિયા પણ હોઈ શકે છે. વર્તમાન યુગનું સૌથી મોટી દૂષણ હોય તો તે સાઇબર ગઠિયા છે. સ્ટે કનેક્ટેડનો સિદ્ધાંત સામાન્ય લોકોએ જ નહીં સાઇબર ગઠિયાઓએ પણ બરોબર અપનાવી લીધો છે.










































