ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલી જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રાત્રે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે માધાપરના નવાવાસ વિસ્તારમાં સાત જાટા બજાર પાછળ આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મોટો જુગારધામ પર્દાફાશ કર્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચંદ્રસિંહ બાલુભા જાડેજાના મકાનના ઉપરના માળે બહારથી ખેલાડીઓને બોલાવી ગંજીપાના પત્તાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. ખેલાડીઓ પાસેથી ‘નાલ’ વસૂલ કરી પૈસાની લેવડદેવડ કરવામાં આવતી હોવાની પણ માહિતી સામે આવી છે.
એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્થળ પરથી રોકડ રકમ, એક કાર તથા મોબાઇલ ફોન સહિત કુલ ૧૬,૬૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઘટનાસ્થળેથી સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.પકડાયેલા આરોપીઓમાં દિલીપસિંહ મેરામણજી જાડેજા (નરનારાપણ નગર, માધાપર), પંકજભાઈ બાબુભાઈ આહીર (કુકમા), કાંતીલાલ વેલજી ઠક્કર (જુનાવાસ, માધાપર), અશ્વિન ઉર્ફે પપ્પુ અનિલભાઈ ઠક્કર (રાપણ નગર, માધાપર), તેજસ શાંતીલાલ રાઠોડ (મૈત્રી પાર્ક, માધાપર), નરસિહ ગોપાલભાઈ જાટીયા (મમુઆરા) અને નવલસિંહ હઠુભા વાઘેલા (વર્ધમાન નગર, માધાપર)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, મકાન માલિક અને જુગારધામનો મુખ્ય સુત્રધાર ચંદ્રસિંહ બાલુભા જાડેજા તેમજ ઉદયરાજ સોલંકી હાલ ફરાર છે. બંનેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો ગઠિત કરી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
તાજેતરમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાં જુગારની ઘટનાઓમાં વધારો નોંધાતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ દરોડો પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા દાખવવામાં આવશે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.








































