જસદણના શિવરાજપુર ગામે મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. રસ્તામાં બુલેટ ઉભી રાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ અંતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમાધાન માટે ગયેલા પરિવાર પર પાંચ શખ્સોએ ઘાતકી હુમલો કરતા પ્રૌઢ છગનભાઈ ઝાપડીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્ર નિલેષને ગંભીર ઈજાઓ પહોંચી છે. ફરિયાદ મુજબ, મૂળ ખાંડા હડમતીયાના અને હાલ રાજકોટ નિવાસી શૈલેષભાઈ ઝાપડીયાના ભાઈ નિલેષ અને બાબુભાઈ ૧૨મી તારીખે બુલેટ લઈને લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા. રસ્તામાં પરિચિતની કાર મળતા તેઓ થોડીવાર ઉભા રહ્યા હતા. ત્યારે પાછળથી છકડો રિક્ષા લઈને આવેલા શિવરાજપુરના સંજય મુંધવાએ રસ્તામાં વાહન કેમ ઉભું રાખ્યું તે બાબતે ગાળો આપી હતી. આ બનાવ બાદ બીજા દિવસે વિરમ મુંધવાએ ફોન પર ધમકી આપતા છગનભાઈ સમાધાન માટે શિવરાજપુર ગયા હતા. પરંતુ સમાધાનના બદલે આરોપીઓએ હુમલો કર્યો હતો. સંજય મુંધવાએ ‘છોટા હાથી’ વાહન પિતા-પુત્રો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વજા મુંધવાએ છરી વડે છગનભાઈના પેટ અને છાતીમાં ઘા ઝીંક્યા હતા. પિતાને બચાવવા જતા નિલેષને પણ છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. અન્ય આરોપીઓએ લાકડીઓ વડે મારપીટ કરી હતી. ઘટના બાદ પરિસ્થિતિ તંગ બની હતી. આ ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હોસ્પિટલ દોડી આવી પરિવારને સાંત્વના આપી હતી. જસદણ પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































