વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામે પશુઓને પાણી પાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં ત્રણ શખ્સોએ ભેગા મળી એક યુવકને ગાળો આપી, લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે દેવરાજભાઇ રત્નાભાઇ ખાંભલા (ઉવ.૪૯)એ વલ્લભભાઇ દેવીપૂજક, સુરેશ વલ્લભભાઇ દેવીપૂજક તથા હસુ વલ્લભભાઇ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પાણીના અવેડે માલઢોરને પાણી પાવા બાબતે તેમની અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ તેમને બેફામ ગાળો આપી હતી અને હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે ફરિયાદીના ડાબા હાથ પર પ્રહાર કરી ઈજા પહોંચાડી હતી. આ સમયે અન્ય બે શખ્સો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી ગાળાગાળી કરી હતી. આ ત્રણેય શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એમ. કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.











































