અંબાજી મંદિર: ગિરનારનાં દર્શને આવતા દરેક યાત્રાળુ ક્યારેક શિખર સુધી ચડી શકતા નથી, પણ જમીનથી આશરે ૩૩૦૦ ફૂટની ઉંચાઈએ આવેલ અંબાજી મંદિર સુધી પહોંચી ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પગથિયાંની આસપાસના સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા આવે છે. ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે, તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટૂક થઈ નેમીનાથજીનાં દેરાસર આવે પછી હિંદુનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડા ગુફા તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે. ત્યાંથી થોડે દૂર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામક જગા આવે, બરોબર તેની સામે ભૈરવજપનો પથ્થર છે. તેની પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવી વસેલા યોગી સેવાદાસજીની જગા છે. અહીંથી નીચે ઉતરતાં શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનક આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જૂનો માર્ગ છે. આમ, ભીમકુંડથી અંબાજી મંદિરના માર્ગમાં આવતાં સ્થળના દર્શન કરી યાત્રાળુઓ મૂળ રસ્તે આવી અંબાજી મંદિરે પહોંચે છે. મા અંબાનું મંદિર પશ્ચિમાભિમુખ છે, જે ગુર્જર શૈલીનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોક માન્યતા છે. જેમ ભારતની અન્ય જગાએ ડુંગર પર મા અંબાજીના બેસણાં હોય છે, તેમ પવિત્ર ડુંગર ગિરનાર પર પણ છે.
– ગોરખનાથની ટૂક: મા અંબાના દર્શન બાદ, સૌથી ઊંચી ગણાતી ગિરનારની ગોરખ ટૂકે પહોંચાય છે. જ્યાં ૩૬૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતું ગોરખ શિખર છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથમાંના ગોરખનાથનો ધૂણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. અહીં પહોચતાં જ તમારા ઉરમાં આનંદ ઉભરાશે. અહીંથી પૂર્વ બાજુએ ઓઘડનાથની ટૂક આવેલી છે. અહીંથી નીચે પગથિયાં ઊતરી કમંડળ કુંડ તરફ જવાય છે. જ્યાં ગુફા, દત્તાત્રેય મંદિર આવેલાં છે, જ્યાં દત્તાત્રેયનો ધૂણો છે. અહીં ચાલતા સાધુઓના અન્નક્ષેત્રમાં યાત્રિકોને દાળ, ભાત, શાક, રોટલીનો પ્રસાદ જમાડાય છે. બાજુમાં નંદીશ્વર મહાદેવ મંદિર છે. થોડે દૂર અનસુયાની ટૂક આવેલી છે.
– દતાત્રેયનો ધૂણો: ગોરખનાથ ટૂકથી દત્તાત્રેય ટૂક સુધી પહોંચવાનો રસ્તો ખૂબ કઠિન છે. અહીં ચડવા માટે પગથિયાં તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થતાં, યાત્રિકો થાક ખાતાં-ખાતાં ધીમે ધીમે છેલ્લી દત્તાત્રેય ટૂક પાસે પહોંચે છે. અહીં ભગવાન દત્તાત્રેયનું ત્રેતાયુગના સમયનું મંદિર છે. ભગવાન રામના જન્મ પહેલાના આ મંદિર વિશે કહેવાય છે કે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપે અનસૂયાની કૂખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. અહીં તેમનાં સ્વયંભૂ પગલાં પ્રગટ્યાં છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણાકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજમાન છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકા રાખેલાં છે. અહીં એક ઘંટ પણ લગાવેલો છે, જેને ત્રણ વાર વગાડવાની માન્યતા છે.
– કાલકા ટૂક: કાલકા ટૂક એ શિખરથી આગળ આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પૂર્વ બાજુની આ ટૂક પર કાલિકા માતાનાં બેસણાં છે. જેમના દર્શન અહીંથી કરવા પડે છે. દત્તાત્રેય ટૂકથી સંપૂર્ણ વિહંગ દ્રશ્ય દેખાય છે. દૂર તળેટી પર માળવેલો, બોરદેવી, ગબ્બર ડુંગરને જોઈ શકાય છે. ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણાં છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થયો હોવાથી તાપ લાગે છે. જેથી થાક ખાતાં-ખાતાં નીચે ઉતરવું હિતાવહ છે. જે દરમિયાન માર્ગમાં આવતાં ઘણાં સ્થળ જોવાની તક મળે છે.
– મીરાં દાતાર: ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પૃથ્વીની સપાટીથી ૨૭૫૦ ફૂટ ઉંચાઈએ મીરાં દાતારની જગા આવેલી છે. અહીં જમિયલશા દાતારનું આસન છે. કહે છે કે, જમિયલશા ઈરાનથી સિંધ થઈ ઈ.સ.૧૪૭૦માં અહીં આવી વસ્યા હતા. આ દાતારની જગા પાછળ નવનાથનો ધૂણો આવેલો છે. મીરાં દાતારની જગાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. જ્યાં આજથી ૫૫-૬૦ વર્ષ પહેલા મહંત પટેલ બાપુએ શરૂ કરેલું અન્નક્ષેત્ર આજે ય ચાલુ છે. જ્યાં કોઈ જાતના ભેદભાવ વગર ભોજન પ્રસાદ પીરસાય છે. ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને વિનામૂલ્યે ભોજનની સુવિધા કરાય છે. આ તમામ વ્યવસ્થા હાલના મહંતશ્રી તરફથી કરાય છે. એક ભજનમાં દાતારનો મહિમા આ રીતે ગવાયો છે, ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર…!
– દામોદર કુંડ: જૂનાગઢથી ત્રણેક કિ.મી.ના અંતરે ગિરનાર જતા માર્ગમાં પુરાણપ્રસિદ્ધ દામોદર કુંડ
આવેલો છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. અહીં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડના નામે ઓળખાતો. દામોદર કુંડની ઉત્તરે આવેલા કુમૂદ પર્વતને ‘અશ્વત્થામા પર્વત’ પણ કહે છે. સાત ચિરંજીવીમાંના એક અશ્વત્થામા રોજ પ્રાતઃકાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા અહીં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા દરરોજ પ્રાતઃકાળે દામોદર તીર્થમાં સ્નાન કરવા આવતા અને દામોદર મંદિરમાં બેસી ભજન-ભક્તિ કરતા. આ કુંડ સામે રાધા-દામોદરનું પૌરાણિક મંદિર છે. દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી ભાદરવા વદ-૫ (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કર્યું હતું. કાલયવન રાક્ષસના નાશ માટે કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા, બાદમાં તેઓ સદેહે અહીં પધાર્યા હતા. લોકવાયકા મુજબ ભગવાન કૃષ્ણનાં અસ્થિનું વિસર્જન પૌત્ર અનિરુદ્ધના હસ્તે આ કુંડમાં કરાયું હતું. ગુજરાતનાં ઘણાં લોકો સ્વજનનાં અસ્થિ દામોદર કુંડમાં પધરાવવા આવે છે. આસપાસનો પ્રદેશ ખૂબ હરિયાળો અને પવિત્ર છે. જુદા જુદા ધર્મનાં સંતોએ દામોદર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી છે. જેમાં નરસિંહ મહેતા, સ્વામિ. ભગવાન કે જેઓએ સ્વમુખે ભગવાન દામોદરને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ સંભળાવેલી. વીરપુરના જલારામ બાપા, સતાધારના આપાગીગા તથા વેલનાથજીએ પણ આ કુંડમાં સ્નાન કર્યું છે. આ તીર્થમાં નવનાથ, ૮૪ સિધ્ધ, ૬૪ જોગણી, બાવન વીર અને ૬૮ તીર્થનો વાસ હોવાથી અહીં સ્નાન કરનાર પવિત્રતા અનુભવે છે.
– ઉડનખટોલા: જેમને ગિરનાર પર્વત પગપાળા ચઢવો કઠિન લાગે તેવાં લોકો માટે હવે ઉડનખટોલા/રોપ-વેનું સંચાલન પણ શરુ થયું છે. રોપ-વે ભવનાથ તળેટીથી શરુ કરી અંબાજી ટૂક સુધી જાય છે. sanjogpurti@gmail.com