ભાવનગર અને અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં અકસ્માત અને કરૂણ ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મોરારીબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૧,૦૫,૦૦૦ (એક લાખ પાંચ હજાર) ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ ઉપરાંત, તેમણે તમામ મૃતકોના દિવંગત આત્માના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.સહાય કરાયેલા મૃતકોની વિગતોમાં, ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામના બે યુવકોનું અકસ્માતમાં મોત થયું હતું. મહુવા નજીક અગતરિયા ગામ પાસે એસ.ટી. બસની ટક્કરથી રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું ડૂબી જવાથી કરુણ અવસાન થયું હતું.