તમારું કદ કોણ નક્કી કરે છે ? મનોવૈજ્ઞાનિકો સાદો ઉત્તર ખોળી કાઢે છે કે તમે પોતે. તમારી જાત જેવું બીજું કોઈ તમારું મૂલ્યાંકન કરી શકે નહિ. દુનિયા, સમાજ, પક્ષ, સંસ્થા તમને તમારા કદ મુજબ સ્થાન આપી શકે, કદ નક્કી કરવાનું કામ તેનું નથી. તમારું કદ તમારૂ પોતાનું મૂલ્ય છે. જે જયપ્રકાશ નારાયણને રાજકીય દુનિયા લગભગ ભૂલી ગઈ હતી, એ જે.પી. ફીનીક્સની જેમ સજીવન થઈને એક આપખુદ સરકારને ઉખાડી નાખે છે. એવડા મોટા પરિવર્તન માટે ક્રાંતિ પોતે નેતા શોધતી જે.પી. ના શરણે ગઈ હતી. એ જયપ્રકાશ નારાયણનું કદ હતું. સત્તા હમેશા કદની મોહતાજ રહી છે. પોણીયા કદના આગેવાન પાસે સત્તા ટકતી નથી. ઇમરાનખાન નામનો પાકિસ્તાની ખેલાડી ક્રિકેટની રમતમાંથી સંપૂર્ણ નિવૃત થઇ ગયા બાદ ફરીથી ચાહકોની માંગણીને માન આપીને મેદાનમાં પાછો ઉતરે છે અને પાકિસ્તાનને ૧૯૯૨નો ક્રિકેટ વર્લ્ડકપ ખિતાબ જીતાડી જાય છે. પાકિસ્તાનની જનતાનો હીરો બની જાય છે. એ જ ઇમરાનખાન રાજકીય મેદાનમાં ઉતરે છે, પાકિસ્તાનનો વડોપ્રધાન બને છે અને આજે જેલમાં સબડે છે. બે જુદા જુદા ક્ષેત્રોમાં કદનું આવડું ઉર્ધ્વ અને નિમ્ન વિસ્તરણ એક જ પાત્રમાં જોવા મળે છે. પરિવર્તન સંસારનો નિયમ છે એ ઉક્તિ રાજકારણને સૌથી વધુ ફીટ બેસે છે.
કદ ધરાવતા લીડરનો અવાજ એકસો બે ડિગ્રી ઉષ્ણતામાન લઈને ગળામાંથી બહાર ફેંકાય છે. લીડર ઘાઘરાની પાછળ સંતાઈને ફાયરિંગ નથી કરતો. લીડર જે હાથીની જેમ આગળ ચાલે છે, લીડર જે સિંહની અદાથી દોરવણી આપે છે. લીડર જે પ્રજાના પ્રશ્નો, પીડા, સુખ-દુઃખ પર બાજની જેમ નજર રાખે છે. મુશ્કેલીના સમયમાં જે દોઢસો ટકા જુસ્સા અને બસ્સો ટકા ક્ષમતાથી કામ કરે છે અને કરાવે છે. લીડરના બે કાર્યક્ષેત્રો છે, પહેલું, સરકાર કે વિપક્ષમાં બેસીને નીતિગત નિર્ણયો લેવા અને બીજું, પોતાના કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત થઈને પ્રજાની વચ્ચે જઈને કામ કરવું. બીજું જરા અઘરું છે. પહેલામાં સરકાર કે વિપક્ષનો આખો સમૂહ હોય છે, એમાં ઓછી બુદ્ધિ કે ક્ષમતાની પ્રજાને ઝટ દઈને ખબર પડતી નથી. માસ પ્રમોશનમાં જેમ હોંશિયારની સાથે ઠોઠડા પણ ગદરી જાય છે એમ આમાં પણ ચાલી જાય છે. જયારે જમીન પર કામ કરવાનું થાય ત્યારે લીડરનો છાયડો મધ્યાહ્‌ને મપાય છે. જેમ જેમ આપદાનો કે ચેલેન્જનો સૂરજ તપતો જાય તેમ તેમ લીડરનો પડછાયો પહોળો મોટો થતો જાય છે. જેમ સિંધુડો વાગે અને ક્ષત્રિયનું લોહી એકસો પાંચ પર ઉકળી ઉઠે એમ લીડર આવા સમયે મેદાનમાં આવે છે. હોદ્દાની મોહતાજી જે લીડર માટે ખતમ થઇ જાય એ કોઈ રાજકીય ક્ષત્રનો ઓશિયાળો નથી રહેતો. વારેવારે વઢકણી વહુની જેમ રિસામણે જતા રહેતા નેતા કદ મોટું નથી કરી શકતા. લીડર પ્રજા પેદા કરે છે, કોઈ મુદ્દો નહિ. નેતા જનતાનો હોય છે, માત્ર પાર્ટી કાર્યકર્તાનો નહિ. મુદ્દા આધારિત નેતાનું આયુષ્ય એ મુદ્દાના આયુષ્ય જેટલું હોય છે. મુદ્દો પૂરો થતા લીડર અસ્ત થઇ જાય છે, કાલની ગર્તમાં ખોવાઈ જાય છે. પ્રજાની વચ્ચેથી ઉભો થયેલો, પ્રજાએ ખભો આપીને ઉંચો કરેલો લીડર પ્રજાના આયુષ્ય જેટલું આયુષ્ય ધરાવે છે.
સમાજશાસ્ત્રી મેક્સ વેબરે પોતાના નિબંધ ‘ધ વોકેશન ટુ પોલિટીક્સ’ માં નેતાની ત્રણ મુખ્ય વિશેષતાઓ કહી છે (૧) ઉન્માદ (પેશન), (૨) ઉતરદાયિત્વની ભાવના અને (૩) પાકો નિર્ણય. આગળ મેક્સ વેબર લખે છે કે એક અસંભવ વિરોધીતા નેતા માટે મોટામાં મોટી ચેલેન્જ છે. શું છે એ વિરોધીતા ? પહેલું, ધ્યેય માટે ધગધગતો ઉન્માદ અને બીજું એ ઉન્માદ વચ્ચે નિર્ણયો લઇ શકવા માટે ઠંડુ બરફ જેવું દિમાગ, બધા નેતા પાસે આ નથી હોતું. ખુરશી માટે હવાતિયા નાખતા અર્ધશિક્ષિત, અર્ધદીક્ષિત નેતાઓ આ વિરોધીતામાં ફસાઈ ગયેલા હોય છે. કદાચ રાજનીતિમાં ભવિષ્ય પ્રજાના ખભા પર બેસીને સાફ અને લાંબે સુધી જોઈ શકાય છે. પોતાનું કદ જોવું હોય તો પ્રજાના ખભે બેસવું પડે છે. જ્યાં સુધી એ પ્રજાનો ખભો મેળવી, જાળવી શકે છે ત્યાં સુધી એને નીચે પછાડી શકાતો નથી. પ્રાચીન સમયમાં જે સત્તા યુધ્ધો કરીને મેળવી શકાતી હતી એ આજે જનસમર્થન મેળવીને મેળવી શકાય છે. તલવારની ધારથી મતપેટી અને લોહીથી આંગળી પર શાહીના ટપકા સુધીની ઇતિહાસની લીડરની સફર રહી છે. પ્રાચીન પદ્ધતિ વિધ્વંશક હતી, જેમાં બીજાને કચડીને હરાવીને એના પર અધિપત્ય કે અંકુશ મેળવવામાં આવતો. એ ઉપરથી આવતો અને કહેવામાં આવતું કે હવે આ લીડર છે, આજે લીડર ધીમે ધીમે પ્રજાની વચ્ચેથી પ્રગટે છે. આપણે ત્યાં મત મેળવીને ચૂંટાયેલાને લીડર ગણવાનો વાહિયાત રિવાજ છે. હિન્દુસ્તાનમાં પક્ષગત લોકશાહીમાં બંધારણમાં એવી પણ એક વ્યવસ્થા ઉભી કરી રાખી છે કે તમે એક પણ ચૂંટણી લડ્‌યા વિના દેશના પ્રધાનમંત્રી પણ થઇ શકો છે. જેને દેશના એક પણ નાગરિકે સીધો મત નથી આપ્યો એ આખા દેશને પાંચ કે દશ વર્ષ સુધી લીડ કરી શકે છે. એ કરતા ગ્રામ પંચાયતની પસંદગી પ્રક્રિયા વધુ સારી છે કે જ્યાં સરપંચ  માટે સીધો મત આપીને પસંદ કરવામાં આવે છે.
ક્વિક નોટ — કેમ્બ્રિજ ડિક્ષનરીમાં લીડરની વ્યાખ્યા છે ‘એ વ્યક્તિ જે કોઈ જૂથ, દેશ કે સ્થિતિ પર કાબૂ ધરાવે છે,’. અમેરિકન ડિક્ષનરીમાં વ્યાખ્યા છે ‘એ વ્યક્તિ જે પોતાની ક્ષમતા અને હોદ્દાની રુએ જનતા પર પ્રભાવ અને અંકુશ ધરાવે છે.’ ધંધાદારી ડિક્ષનરીમાં વ્યાખ્યા છે કે ‘એ કંપની કે પ્રોડક્ટ, જે પોતાના હરીફ કરતા વધુ વેંચાય છે.’ બજારમાં વધુ વેચાતી બ્રાંડ અને રાજકારણમાં પ્રજા વચ્ચે વધુ પસંદ થતી વ્યક્તિ લીડર છે.
production@infiniumpharmachem.com