સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા તાજેતરમાં ઊભા થયેલા કોપીરાઈટ વિવાદ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મંદિર સંચાલક સંસ્થાએ જણાવ્યું છે કે હનુમાનજીના નહીં, પરંતુ સાળંગપુરધામ ખાતે સ્થાપિત વિશિષ્ટ “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોના જ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે.
સંસ્થાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે હનુમાનજીના નામ, પૂજા, ભક્તિ, જાપ, અર્ચના અથવા નવા મંદિરની સ્થાપના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. સંસ્થાનું કહેવું છે કે સમસ્ત ભગવાનના કોપીરાઈટ ક્યાંરેય કોઈ વ્યક્તિ કે સંસ્થાને મળી શકે નહીં અને હનુમાનજી સૌના આરાધ્ય દેવ છે.
મંદિરના જણાવ્યા અનુસાર સાળંગપુરધામ ખાતે ૫૪ ફૂટ ઊંચી “કિંગ ઓફ સાળંગપુર” મૂર્તિની સ્થાપના બાદ કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. સંસ્થાના દાવા મુજબ સાળંગપુરધામના નામે નકલી મૂર્તિઓ, સુવર્ણ વાઘા, ફોટા, માળા, દોરા-તિલક અને અન્ય ધાર્મિક સામગ્રીનું ગેરકાયદે વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો દ્વારા સાળંગપુરધામના નામે નકલી વેબસાઇટ્‌સ અને સોશિયલ મીડિયા પેજ બનાવવામાં આવ્યા હતા. આ માધ્યમો દ્વારા ભક્તો પાસેથી નકલી રૂમ બુકિંગ, દાન અને વિવિધ સેવાઓના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સંસ્થાનું કહેવું છે કે આવા કૃત્યોને કારણે ભક્તોની આસ્થા સાથે પણ ચેડાં થઈ રહ્યા હતા.
સંસ્થાએ વધુમાં દાવો કર્યો છે કે કેટલાક વેપારીઓ દ્વારા ચીનમાંથી નકલી મૂર્તિઓ બનાવડાવી અને તેને સાળંગપુરધામ સાથે જાડાયેલી હોવાનું જણાવી વેચાણ કરવામાં આવતું હતું. સંસ્થાના મતે આ પ્રકારની પ્રવૃત્તિઓ ધાર્મિક લાગણીઓ અને પવિત્રતા સાથે ખીલવાડ સમાન છે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ ભોળા ભક્તોને આર્થિક નુકસાન અને છેતરપિંડીથી બચાવવા કાનૂની નિષ્ણાતોની સલાહ બાદ માત્ર “કિંગ ઓફ સાળંગપુર”ની વિશિષ્ટ પ્રતિમા, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો માટે જ કોપીરાઈટ તથા ટ્રેડમાર્ક મેળવવામાં આવ્યા છે.
સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ નિર્ણયનો હેતુ કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર નિયંત્રણ લાવવાનો નહીં, પરંતુ ભક્તોને નકલી તત્વો અને ટ્રેડમાર્ક ચોરીથી સુરક્ષિત રાખવાનો છે.