સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૭૯મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વક્તા કાનજીભાઈ ભાલાળાએ સફળતાને માત્ર પૈસાથી ન માપતાં જીવનને અર્થપૂર્ણ બનાવવાની સતત યાત્રા ગણાવી હતી અને સફળતા, ખુશી, સાહસ, આત્મવિશ્વાસ તેમજ મધુર સંબંધોનું ‘પંચામૃત’ રજૂ કર્યું હતું.
રાજહંસ ગ્રૂપના ચેરમેન જયેશભાઈ દેસાઈએ માતા-પિતાના સંસ્કારો, સત્યનો માર્ગ, પ્રામાણિકતા અને આધ્યાત્મિકતાને ખરી સફળતા ગણાવી હતી. આ પ્રસંગે ક્રેડાઈ સુરતના ચેરમેન સી.એ. જી. આર. આસોદરિયા અને સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટનું અભિવાદન કરાયું હતું. આસોદરિયાએ યોગ્ય નાણાકીય આયોજનને સફળતાનો આધાર ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સંચાલન ભાવેશભાઈ રફાળીયા તથા અંકિતભાઈ સુરાણીએ કર્યું હતું.