રાજકોટમાં સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સાત દિવસમાં બીજી વખત સીંગતેલના ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થતા ડબ્બો ૨૯૦૦ ને પાર થયો છે. ૩૦ દિવસમાં સિંગતલના ડબ્બે ૧૮૦ રૂપિયાથી વધુનો ભાવ વધ્યા છે. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા ૧૫ રૂપિયા ભાવ વધી ૨૩૮૫ પહોંચ્યો છે. મગપળીના વિક્રમી પાક છતા ભાવ સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવોને કાબુમાં લેવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ નિવડ્યું છે.
સાત દિવસ પહેલા રાજકોટ સહિતના મુખ્ય માર્કેટમાં એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ પ્રતિ ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૨૭૮૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે એક મહિના પહેલા ૨૫૯૦ હતો.
ગત એક મહિનાની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં કુલ ૨૦૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. માત્ર પખવાડિયામાં જ ૧૭૦ જેટલો વધારો થવાથી ગ્રાહકો પર આર્થિક ભાર વધ્યો છે. ખાસ વાત એ છે કે માંગમાં કોઈ વિશેષ વધારો ન હોવા છતાં ભાવમાં તેજી યથાવત છે.
તેલ મિલ એસોસિયેશનના જણાવ્યા અનુસાર માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી જતાં સારી ગુણવત્તાવાળી મગફળીનો જથ્થો ઘટ્યો છે. પિલાણ યોગ્ય મગફળી ઓછી મળતા મગફળીના ભાવ વધ્યા અને તેની સીધી અસર સિંગતેલના ભાવ પર પડી છે.
રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પહેલી વખત ૧૫૦૦ને પાર ગયો છે. હાલમાં મગફળીના ભાવ ૧૨૩૦થી લઈને ૧૫૩૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક મહિના અગાઉ સારી મગફળી ૧૨૫૦માં મળતી હતી જે હવે૧૪૫૦ સુધી પહોંચી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ૧૭ લાખ ટનથી વધુ મગફળીની ખરીદી પણ કરવામાં આવી છે.
સિંગતેલ સાથે સાથે કપાસિયા અને પામતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં કપાસિયામાં ૧૧૫ અને પામતેલમાં ૧૦૫ રૂપિયાનો વધારો થયો છે. જાકે કોપરેલ તેલમાં ઘટાડાનો ટ્રેન્ડ જાવા મળ્યો છે. જેમાં લગભગ ૫૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ ફરક હવે વધીને ૪૬૦ જેટલો થઈ ગયો છે. જેના કારણે ફરસાણ વેપારીઓ અને સામાન્ય લોકો સસ્તા વિકલ્પ તરીકે કપાસિયા તેલ તરફ વળી રહ્યા છે. જાકે નિશ્ચિત આવક ધરાવતા પરિવારો માટે તેલના ભાવમાં થયો આ વધારો મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
” ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘણું સારું થયું છે. પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું અને તેના લીધે ઘણો પાક પણ બળી ગયો હતો. હાલ જે ભાવ વધારો થયો છે તે ખેડૂતો માટે રિકવરી છે. “









































