સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૮માં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળવાની આશંકાને પગલે ચિંતા ફેલાઈ છે. આ અંગે રઘુવંશી સમાજના અગ્રણી હિરેન સૂચક દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને જરૂરી મરામતની માગ કરવામાં આવી છે. રજૂઆતની નકલો ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરીયા, ચીફ ઓફિસર, મામલતદાર અને અમરેલી કલેક્ટરને પણ મોકલવામાં આવી છે. વોર્ડમાંથી પીવાના પાણીના નમૂના લઈ લેબોરેટરી તપાસ, પાણી-ગટરની લાઈનો, ટાંકી, વાલ્વ અને કનેક્શનની તપાસ તથા દૂષણના સ્ત્રોતની મરામત કરવાની માગ કરાઈ છે. કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કરથી શુધ્ધ પાણી આપવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તપાસ કરવાની પણ રજૂઆત કરાઈ છે. વોર્ડ નં. ૮ નગરપાલિકા પ્રમુખનો વિસ્તાર હોવાથી અહીં જ આવી સ્થિતિ અંગે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.




































