સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી લીખાળા જતો રસ્તો હાલ અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ મુખ્ય માર્ગ પરથી રોજબરોજ નોકરીયાત વર્ગ, સરકારી કર્મચારીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પસાર થાય છે. રસ્તા પર સર્જાયેલા ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકોના વાહનો વારંવાર બગડી જાય છે અને વિદ્યાર્થીઓ પણ સમયસર શાળાએ પહોંચી શકતા નથી. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી કે રસ્તાની સાધારણ મરામત કરવામાં આવી નથી, જેના લીધે સ્થાનિક જનતા ભારે હાલાકી ભોગવી રહી છે. તંત્રની આવી ઉદાસીનતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો અત્યારે નવો પાકો રોડ બનાવવો શક્ય ન હોય, તો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માત્ર માટી અથવા મેટલ નંખાવીને આ જીવલેણ ઊંડા ખાડાઓ પુરવામાં આવે તેવી લોકમુખી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.