સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા માનવ મંદિર આશ્રમમાં કાર્યરત અને રામજી મંદિરના પૂજારીઓના બાળકો માટે વિશેષ શરૂ કરાયેલ ગુરુકુળના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ અને શૈક્ષણિક ક્ષેત્રે ઝળકતી સફળતા મેળવી છે. સનાતન પરંપરા અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ કાજે પ. પૂ. ભક્તિરામબાપુએ એક નવીન પહેલ કરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રામજી મંદિરના પૂજારીઓની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમના સંતાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમને આ ગુરુકુળમાં નિઃશુલ્ક આવાસ, ભોજન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. તાજેતરમાં વિવિધ ક્ષેત્રમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રમાણપત્રો પૂજ્ય બાપુને અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પ.પૂ. ભક્તિરામબાપુએ જણાવ્યું હતું કે, “રામજી મંદિરના પૂજારીઓ સમાજમાં ધર્મનું જતન કરે છે, ત્યારે તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ અને રહેવાની સુવિધા મળી રહે તે માટે આ ગુરુકુળની સ્થાપના કરી છે. અમારો ઉદ્દેશ્ય બાળકોને માત્ર ડિગ્રી અપાવવાનો જ નહીં, પરંતુ તેમને સંસ્કારી અને સક્ષમ નાગરિક બનાવવાનો છે.”