સાવરકુંડલાના વિરડી ગામે કેદારીયા જવાના કાચા રસ્તે સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવા મુદ્દે યુવક પર છરીથી જીવલેણ હુમલો કરાયો હતો. તેમજ ‘વીડિયો કેમ વાયરલ કર્યો, આજે તો તને પતાવી દેવો છે’ તેવી ધમકી પણ આપી હતી. બનાવ સંદર્ભે શંભુભાઈ પ્રેમજીભાઈ કલાણીયા (ઉ.વ.૪૫)એ બાવચંદભાઈ ગણેશભાઈ લોદરીયા (રહે. વિરડી), હાર્દિકભાઈ (રહે.નાળ), ગોપાલભાઈ ભરતભાઈ (રહે.ખુટવડા) તથા રાણાભાઈ ગણેશભાઈ લોદરીયા (રહે. વિરડી) સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, વિરડી ગામના અવેડાની મોટર પંદરેક દિવસ પહેલા ખરાબ થઈ ગઈ હતી. જેની જાણ તેમણે વિરડી ગામના સરપંચને કરી હોવા છતાં સરપંચે મોટર રિપેર કરાવી નહોતી. તેમણે મોટર રિપેર કરાવી તેનો જાણ કરતો વીડિયો ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી તેઓ પોતાની ભાગવી રાખેલ વાડીએથી પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે આવતા હતા તે દરમિયાન વિરડી ગામ નજીક નેરામાં પહોંચતાં બાવચંદભાઈ લોદરીયા લોખંડની પાઇપ, હાર્દિકભાઈ છરી તથા ગોપાલભાઈ લાકડી લઈને આવ્યા હતા. બાવચંદભાઈએ તેમને ગાળો આપીને કહ્યું હતું કે, ‘વીડિયો કેમ વાયરલ કરેલ છે અને આજે તો તને પતાવી દેવો છે’ તેમ કહી ફટકાર્યો હતો. તેમજ મારી નાખવાના ઈરાદે છરીનો એક ઘા માથાના ભાગે માર્યો હતો. આરોપીઓએ ગાળો આપી માથાના ભાગે તથા શરીરે આડેધડ લાકડી વડે માર માર્યો હતો. ઉપરાંત તેમને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેમાં ૧૨ ટાંકા આવ્યા હતા. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. પી.જે. રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.







































