ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેવાના ભેખધારી એવા
અન્નસેવા, ગૌસેવા કરી સમાજને પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો

ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેવાભાવી સામાજિક અગ્રણી વસંતભાઈ મોવલીયાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તા. ૫ જુલાઈ, રવિવારના રોજ તેમણે જન્મદિનની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ સુધી સીમિત રાખવાને બદલે સેવાકીય
પ્રવૃત્તિઓ સાથે યાદગાર બનાવી સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો. સવારે ૯ વાગ્યે લીલીયા રોડ પર આવેલી કામધેનુ બીમાર ગાયોની ગૌશાળામાં પહોંચીને ગાયોને ઘાસચારો અર્પણ કર્યો હતો. ગૌસેવાના આ કાર્યને ઉપસ્થિત લોકોએ પણ બિરદાવ્યું હતું. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે મહિલા વિકાસ મંડળ ખાતે અન્નસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સેવાના આવા કાર્યને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સાંજે ૭ઃ૩૦ વાગ્યે બહેરા-મૂંગા શાળામાં સ્નેહભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને સંચાલકો સાથે આત્મીયતા પૂર્વક સમય વિતાવી સૌને ભોજન કરાવવામાં આવ્યું હતું. વસંતભાઈ મોવલીયાની આ અનોખી જન્મદિન ઉજવણીને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી હતી. તેમના જન્મદિન નિમિત્તે અનેક રાજકીય, સામાજિક અને વેપારી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી. જન્મદિનને સેવા અને સમાજકલ્યાણ સાથે જોડવાનો તેમનો પ્રયાસ અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યો હતો.