વડોદરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં મહેશ માળી નામના વ્યકિત એ કરોડિયામાં ખેતીલાયક જમીન ખરીદી હતી, જેને એનએ કરાવ્યા વગર જ પ્લોટ પાડીને વેચી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ નિયમોને નેવે મૂકીને ૧૬ મકાનો અને ૬ ખુલ્લા પ્લોટની આકારણી કરી દીધી અને ત્યાં ગટર લાઈનની સુવિધા પણ પૂરી પાડી દીધી.
આ કૌભાંડમાં વોર્ડ નંબર ૮ના ભાજપના મહામંત્રી વિજય ચાવડાનું નામ ઉછળ્યું છે. ચર્ચા અનુસાર, આકારણી કરાવવા માટે પ્લોટ દીઠ ૧૦,૦૦૦ રૂપિયાનો વહીવટ થયો હતો. પરંતુ, મહામંત્રી અને એક કાર્યકર વચ્ચે પૈસાની વહેંચણીમાં વિવાદ થતા મામલો ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી પહોંચ્યો હતો. જેથી કેયૂર રોકડિયાએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવાની સૂચના આપી. પાલિકાએ તપાસ કરતા ખોટી રીતે આકારણી કરી હોવાનું સામે આવ્યું છે, જેથી તમામ આકારણી રદ કરી દેવાઈ છે. જેમણે પ્લોટ ખરીદ્યા છે તેમના નાણા હવે અટવાયા છે. સામાજિક કાર્યકરે અધિકારી અને ભાજપ નેતા પર કાર્યવાહીની માંગ કરી છે.
આકારણી કૌભાંડ મામલે ભાજપ મહામંત્રી વિજય ચાવડાનું નામ સામે આવ્યા બાદ પોતાનો બચાવ કર્યો છે. વિજય ચાવડાએ કહ્યું કે, મેં માત્ર જમીન અપાવી છે, આકારણીમાં મારો કોઈ રોલ નથી. મને બદનામ કરવાના કાવતરા હેઠળ મારું નામ લેવાય છે. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલે કહ્યું કે, ભાજપે વડોદરાને કૌભાંડની નગરી બનાવી દીધી છે. મહામંત્રીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જાઈએ.સમગ્ર કૌભાંડ મામલે હંમેશાની જેમ અધિકારીઓનો બચાવ છે કે, સ્લમ વિસ્તારની નીતિ મુજબ હંગામી આકારણી કરાઈ હતી. વિરોધ થતા આકારણી રદ કરી, પૈસા લીધાના આરોપ ખોટા છે.
ભાજપની આંતરિક જૂથબંધી અને પૈસાની ભાગબટાઈમાં વિવાદ થતા આખા કૌભાંડ પરથી પરદો ઉઠ્યો છે. આ ઉપરાંત આજ બિલ્ડરોના ગટર લાઈન પણ નાખી દેવાઈ છે, ત્યારે દોઢ મહિનાની તપાસ બાદ પણ હજુ સુધી કોઈ અધિકારી કે કર્મચારી સામે પગલાં લેવાયા નથી. જે પાલિકાના ઉચ્ચ અધિકારીઓની નિયત પર અનેક સવાલો ઉભા કરે છે.







































