રાજુલા ખાતે સાવરકુંડલા રોડ પર આવેલી રાજાણી કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા ગયેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી થવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદ મુજબ, દોલતી ગામના પટેલ વિસ્તારની રહેવાસી ચતુરાબેન કાળુભાઈ વાઘમશી (ઉંમર ૫૭) તા. ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ રાજુલા મુકામે કરિયાણાની ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન દુકાનમાં હાજર બે અજાણી મહિલાઓ અને એક અજાણ્યા પુરુષે ભીડ અને અવરજવરનો લાભ લઈને તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.આ દરમિયાન આરોપીઓએ ચતુરાબેનના ગળામાં પહેરેલી આશરે ૩૫.૬૩૦ ગ્રામ વજનની સોનાની ચેન, જેની કિંમત અંદાજે રૂ. ૧,૧૭,૦૦૦ હોવાનું જણાવાયું છે, તેમની જાણ બહાર ચોરી કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા બે મહિલા અને એક પુરુષ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









































