ઊનાના નાલીયા માંડવીના અનામત જંગલમાંથી મોટા પાયે દેશી ઈમારતી લાકડાના ગેરકાયદે કટિંગનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. નાલીયા માંડવીના સરપંચ પ્રતિનિધિ રફિકભાઈ સુમરાની સચોટ બાતમીના આધારે વન વિભાગે મધરાત્રે તપાસ હાથ ધરીને ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક (GJ-32-T-5411) ઝડપી પાડ્યો હતો. આ મામલે ટ્રક ચાલક મહમદ યુસુફ સરવૈયા અને વાહન માલિક ગોપાલ બાંભણીયા સામે પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે વન વિભાગના અધિકારીઓ અને રાજકીય વગ ધરાવતા મોટા માથાઓની સીધી મિલીભગત વિના દરરોજ રાત્રે કિંમતી લાકડાની તસ્કરી શક્ય જ નથી. વન વિભાગે માત્ર ચાલકને પકડીને સંતોષ માનવાને બદલે રાત્રિના સમયે નાકા ખુલ્લા રાખનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી કડક તપાસ કરવી જરૂરી છે જેથી ગીરના જંગલોને લૂંટાતા બચાવી શકાય.










































