ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ૧૭ જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી વનડેમાં મેદાનમાં ઉતરતાની સાથે જ પોતાના શાનદાર ક્રિકેટ કારકિર્દીમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવશે. આ અનુભવી બેટ્‌સમેન રાહુલ દ્રવિડને પાછળ છોડીને ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી જશે. હાલમાં, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. આ મેચ પછી, દ્રવિડ પાંચમા સ્થાને સરકી જશે, અને રોહિત તેને પાછળ છોડી દેશે. રોહિતે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં તે ફક્ત વનડે ક્રિકેટમાં સક્રિય છે.

રોહિત શર્માએ જૂન ૨૦૦૭ માં આયર્લેન્ડ સામે પોતાનો પહેલો વનડે રમ્યો હતો. તે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ૨૦૦૭ ટી ૨૦ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો. જોકે, ૨૦૧૧ વનડે વર્લ્ડ કપ માટે તેનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ધોનીએ તેને ૨૦૧૩ ચેમ્પીયન્સ ટ્રોફીમાં ઓપનર તરીકે તક આપી, અને ત્યાંથી તેની કારકિર્દી ઉગી નીકળવાની શરૂઆત થઈ. રોહિતે ૨૦૧૯ માં ભારતીય ટેસ્ટ ટીમમાં પણ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.

રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં ૨૮૩ વનડે, ૬૭ ટેસ્ટ અને ૧૫૯ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૪,૩૦૧ રન બનાવ્યા છે, જ્યારે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના ૪,૨૩૧ રન છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે ૨૦૨૪ માં આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૫ માં ચેમ્પીયન્સ ટ્રોફી જીતી હતી.

રાહુલ દ્રવિડે ભારત માટે ૧૬૪ ટેસ્ટ, ૩૪૪ વનડે અને એક ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે ૨૦૧૨ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલમાં, રોહિત અને દ્રવિડ બંનેએ ૫૦૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.સચિન તેંડુલકર ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી છે. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ખેલાડીઓ

સચિન તેંડુલકરઃ ૬૬૪ મેચ

વિરાટ કોહલીઃ ૫૫૯ મેચ

મહેન્દ્ર સિંહ ધોનીઃ ૫૩૮ મેચ

રાહુલ દ્રવિડઃ ૫૦૯ મેચ

રોહિત શર્માઃ ૫૦૯ મેચ

વિરાટ કોહલી ૫૫૯ મેચ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. અન્ય બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે ફક્ત વનડે ક્રિકેટમાં સક્રિય છે. મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા સ્થાને છે, જેણે ભારત માટે ૫૩૮ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ધોની છેલ્લે ૨૦૧૯ ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મેદાન પર જોવા મળ્યો હતો અને ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.