અમરેલી મિશન બ્રોડગેજના પ્રમુખ રાજેશ ગાંધીએ સાંસદને પત્ર લખી સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનના નવા રૂટમાં ચિત્તલને સ્ટોપેજ અપાવવા રજૂઆત કરી છે. રેલવે દ્વારા આ ટ્રેન હવે રાજકોટના બદલે ધોળકા, બોટાદ, ઢસા અને જૂનાગઢ થઈને ચલાવવાનું આયોજન છે, જે સૌરાષ્ટ્ર માટે આવકારદાયક છે. અમરેલી મુખ્ય લાઈનથી વંચિત હોવાથી માત્ર ૧૭ કિલોમીટર દૂર આવેલું ચિત્તલ સ્ટેશન શહેર માટે મુખ્ય સ્ટોપ સાબિત થઈ શકે તેમ છે. અમરેલીથી રોજ હજારો વેપારીઓ, રત્નકલાકારો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ અમદાવાદ તરફ અવરજવર કરે છે. ચિત્તલ ખાતે સ્ટોપ મળવાથી જનતાને સીધી, ઝડપી અને સુરક્ષિત રેલ સુવિધા મળશે. આ નિર્ણયથી અમરેલીના અર્થતંત્ર, હીરા ઉદ્યોગ અને રોજગારને મોટો વેગ મળશે તેમજ મધ્યમવર્ગીય મુસાફરોને લાંબી બસ મુસાફરીના થાક અને આર્થિક બોજમાંથી મોટી રાહત મળશે