રાજુલા એસટી ડેપો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ડેપોના અધિકારીઓ દ્વારા બસ સ્ટેન્ડ પાછળ શૌચાલયની ગટર લાઇનને ભૂગર્ભ ગટર સાથે જોડવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન મુખ્ય પાણી પુરવઠાની લાઇન તૂટી જતા મોટી માત્રામાં પાણી બહાર નીકળ્યું અને નજીકના સોસાયટી વિસ્તારોમાં ફરી વળ્યું. જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. સ્થાનિક રહેવાસીઓએ સમયસર ઘટનાની જાણ રાજુલા નગરપાલિકાને કરતાં પાણી પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. રહેવાસીઓએ અગાઉ પણ ખોદકામનો વિરોધ કર્યો હોવાનો દાવો કર્યો છે. હવે નગરપાલિકાની મિલકતને થયેલા નુકસાન અંગે જવાબદારી કોની રહેશે અને એસટી વિભાગ સામે દંડાત્મક કાર્યવાહી થશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.