અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ચાંચબંદર દરિયાકિનારે ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. વિસર્જનની વિધિ વખતે અચાનક ચાર યુવકો ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે કિનારે હાજર સ્થાનિક લોકોએ ત્વરિત સાહસ દાખવીને દરિયામાં ઝંપલાવ્યું હતું અને ત્રણ યુવકોને સહીસલામત બહાર કાઢી બચાવી લીધા હતા.
આ કરૂણ દુર્ઘટના અંગે જાણ થતાં જ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પીપાવાવ મરીન પોલીસ સહિતનો વહીવટી કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં લાપતા થયેલા વીરસીંગભાઈ જેરામભાઈ ગુજરીયા નામના યુવકની શોધખોળ સ્થાનિક કુશળ તરવૈયાઓની મદદથી ચાલુ રાખવામાં આવી છે. રેસ્ક્યુ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની પણ મદદ લેવાઈ છે. આ ઘટઅનાથી સમગ્ર ચાંચબંદર ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.