રાજકોટ મહાનગરપાલિકા અવારનવાર પોતાના અજીબોગરીબ ખર્ચાઓ અને વિવાદોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે જંગલેશ્વર ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા લાખો રૂપિયાના અંધાધૂંધ ખર્ચે ભારે વિવાદ જગાવ્યો છે. ભોજન, નાસ્તા, ચા અને લીંબુ પાણીના રૂ. ૨૭.૨૦ લાખના તોતિંગ ખર્ચ બાદ હવે પાણી અને મંડપ સર્વિસના બિલ સામે આવતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ખુદ શાસક પક્ષ ભાજપના જ નેતાએ આ મામલે મોરચો ખોલતા મનપાની શિસ્તના ધજાગરા ઉડી ગયા છે.
જંગલેશ્વર ડિમોલિશનના મામલામાં એક નવો ઘટસ્ફોટ થયો છે. ભોજન-નાસ્તાના લાખોના ધુમાડા બાદ હવે મિનરલ વોટર પાછળ મનપાએ રૂ. ૧૨.૪૦ લાખનો આંધણ કર્યો હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે રજૂ કરાયેલા બીલમાં માત્ર તારીખ અને તેની સામે સીધી રકમ જ દર્શાવવામાં આવી
છે. ક્યા દિવસે કેટલી બોટલનો ઉપયોગ થયો, તેની કોઈ સ્પષ્ટ માહિતી છુપાવવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મંડપ સર્વિસ માટે પણ રૂ. ૬.૭૦ લાખનું બિલ મૂકી દેવાયું છે. રાજકોટમાં અસંખ્ય મિનરલ વોટર બનાવતી કંપનીઓ હોવા છતાં, મનપાએ ત્રાહિત એવી ‘ઉમિયાજી મંડપ સર્વિસ અને ડેકોરેશન’ પાસેથી મિનરલ વોટરની ખરીદી કરી છે! આ કોન્ટ્રાક્ટ ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ થી તેમની પાસે જ છે, જે અનેક સવાલો ઉભા કરે છે.
સમગ્ર મામલે સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “ડિમોલિશન સમયે અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ મદદ કરી હતી, તો પછી મનપાને આટલો બધો ખર્ચ કઈ રીતે આવી શકે? આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
આ આખા મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપના જ પૂર્વ શાસક પક્ષના નેતા અને આખાબોલા નેતા તરીકે જાણીતા વિનુભાઈ ધવાએ પોતાની જ સરકારની મનપા સામે મોરચો ખોલ્યો. વિનુભાઈએ સવાલ ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો કે આટલો બધો ખર્ચ કોઈ કાળે થાય જ નહીં! મેં પોતે ત્રણ દિવસ લોકોને જમાડ્યા હતા, તોય માંડ સાડા પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તો પછી મનપાના નામે આટલા લાખો રૂપિયા ક્યાં વહી ગયા? તદુપરાંત, પ્રેસ કોન્ફરન્સ હોલમાં આટલા બધા પત્રકારો હાજર જ નહોતા, તો આ બિલ કોના નામે ફાટ્યું?
ચોમેરથી ઘેરાયેલા રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આ મામલે સત્તાવાર નિવેદન આપીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જંગલેશ્વરમાં ૩ દિવસ સુધી ડિમોલિશનની મોટી કામગીરી ચાલી હતી. અલગ-અલગ વિભાગનો મોટા પ્રમાણમાં સ્ટાફ ત્યાં હાજર હતો અને ૪,૮૦૦ કરતાં વધારે સ્ટાફ માટે નાસ્તા તેમજ ચા-પાણીની વ્યવસ્થા કરાઈ હતી. ચા-પાણી અને નાસ્તાનું કુલ બિલ ૬ લાખ ૮૦ હજાર રૂપિયા થયું છે. ટાઉન પ્લાનિંગ અધિકારીઓ દ્વારા કોઈ વીઆઈપી ફૂડ મંગાવાયું નથી. ફિલ્ડમાં કોઈ અધિકારી કે કર્મચારીએ કાજુ-કતરી ખાધી નથી.
ભલે અધિકારીઓ કાજુ-કતરી ખાવાનો ઈનકાર કરી રહ્યા હોય, પરંતુ મિનરલ વોટર, મંડપ અને ચા-નાસ્તાના નામે રજૂ થયેલા લાખોના બિલોએ મનપાની પોલ ખોલી દીધી છે. જ્યારે ભાજપના જ નેતાઓ આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા હોય, ત્યારે વિપક્ષ અને સામાન્ય જનતામાં પણ હવે એક જ ચર્ચા છે કે, “આ ડિમોલિશન હતું કે અધિકારીઓની જયાફત?” હવે જોવાનું એ રહેશે કે આ મામલે કોઈ તપાસ થાય છે કે પછી દર વખતની જેમ ફાઈલો દબાવી દેવામાં આવશે.