રાજકોટમાં કોરાટ ચોક નજીક આવેલા કલ્પવન એપાર્ટમેન્ટના ૧૨મા માળે એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ફ્લેટમાં રહેતાં ૭૩ વર્ષીય હંસાબેન નટવરલાલ જાદવાણીનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેરાલિસિસની બીમારીથી પીડિત હંસાબેન આગ લાગતાં ફ્લેટમાંથી બહાર નીકળી શક્યાં ન હતાં અને સોફા પર જ દાઝી જવાથી તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં વૃદ્ધાનું મોત થયું હતું.વૃદ્ધાના મોતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની સાથે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.




































