શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી શિવ હોસ્પિટલની બેદરકારીના કારણે ૩૯ વર્ષીય પરણીતા ઈલા નેનાનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા શિવ હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
મૃતકના પરિજન રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પાટલા સાસુ ઇલા નેનાને ડાબા પગના ભાગે તકલીફ હતી. બે મહિના પૂર્વે વ્હીકલમાંથી પડી જતા ગાદીના ભાગે તેમને દુખાવો રહેતો હતો. જે સંદર્ભે શિવ હોસ્પિટલ ખાતે કન્સલટીંગ પણ કરાવવામાં આવ્યું હતું. કન્સલટીંગ દરમિયાન શિવ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે, માઇનોર સર્જરી છે. સર્જરી કરાવ્યા બાદ દર્દી સ્વસ્થ થઈ જશે.
દરમિયાન ૨૮ સપ્ટેમ્બરના રોજ દર્દી ઇલાબેનને દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થતાની સાથે હોસ્પિટલ દ્વારા એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઇન્જેક્શન આપ્યાના પાંચ મિનિટ બાદ જ દર્દીની તબિયત વધુ ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ દર્દી કોમામાં જતા રહ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે, ઓપરેશન કરતા પૂર્વે દર્દીના તમામ જરૂરી ટેસ્ટ હોસ્પિટલ દ્વારા કરાવવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં દર્દી સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. તેમજ રાત્રે દર્દીને હોસ્પિટલ દ્વારા અન્ય હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે અન્ય હોસ્પિટલમાં ૩૦ તારીખના રોજ દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે દર્દીનું મૃત્યુ છે કે પછી અન્ય કોઈ કારણોસર તે અંગે પરિવારે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરાઈ છે.
શિવ હોસ્પિટલમાં ૯૮ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે કે ત્યારબાદ મેડીકેર હોસ્પિટલમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યું ત્યાં નવ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું પરિવારે જણાવ્યું છે. મૃતકનો પુત્ર એમબીબીએસના પ્રથમ વર્ષમાં હોવાનું તેમજ પતિ પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. પરિવાર હાલ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ થાય છે કે, કેમ તેમજ શિવ હોસ્પિટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.










































