ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરી દ્વારા પક્ષનો મેનિફેસ્ટો અને પાંચ વર્ષનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં ગાંધીનગરને સ્લમ ફ્રી સિટી બનાવવાની સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાયાની સુવિધાઓ આપવાનો મુખ્ય સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગગનચુંબી ઇમારતો બની રહી છે તથા કેટલાક વિસ્તારોમાં જમીનના ભાવ સ્ક્વેર ફૂટના ૨૫,૦૦૦ સુધી પહોંચી ગયા છે, પરંતુ ગટર વ્યવસ્થા, પાકા રસ્તા અને જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીએ કર્યો છે.
વર્તમાન ભાજપ શાસિત મનપા પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવતા અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે ભાજપના પાંચ વર્ષના વહીવટમાં ગાંધીનગરની મૂળ ઓળખ બદલાઈ ગઈ છે અને રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ત્યારે મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ અને વચનો અનુસાર ગાંધીનગરને સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી બનાવી જરૂરિયાતમંદોને પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવી, ટેક્સ વસૂલવામાં આવે તો નાગરિકોને પાકા રસ્તા, સફાઈ અને શુદ્ધ પીવાનું પાણી મળવું જાઈએ તેવો દાવો, મહિલાઓ માટે ૫૦% ટેક્સ રાહત, મહિલાઓના નામે રહેલી મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૫૦% રાહત આપવાનું વચન, નિયમિત ટેક્સ ભરતા પરિવારોને રૂ. ૨ લાખ સુધીનું અકસ્માત વીમા કવચ અપાશે, જેના પ્રીમિયમની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશન ઉઠાવશે, કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા નાબૂદી, મનપામાં સફાઈ કર્મચારી, ડ્રાઇવર, કોમ્પ્યુટર ઓપરેટર અને માળી સહિતના કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી સીધો લાભ આપવો, તથા ૨૦૨૭ બાદ સમગ્ર ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું લક્ષ્ય છે.
ગાંધીનગરમાં તમામ પ્રકારની સારવાર ધરાવતી ૨૦૦ બેડની કોર્પોરેશન હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાની માંગ અને વચન, દરેક વોર્ડમાં ૨૪/૭ લાઇબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સુવિધાઓ, જીમ અને સ્પોર્ટ્સ સેન્ટર સ્થાપી ગાંધીનગરને યુવાનો માટે મોડલ સિટી બનાવવું, પ્રજાના ટેક્સના પૈસાના ખર્ચનું ઓડિટ કરવા દરેક વોર્ડમાં જનતા ઓડિટ કમિટી બનાવી સત્તા આપવી તથા ૨૪ કલાક ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા શરૂ કરવી, મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તથા દરેક વોર્ડમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવી, ગાંધીનગરને ફરીથી ગ્રીન કેપિટલ તરીકે ઓળખ અપાવવી તથા રહેણાંક વિસ્તારો નજીક કચરાના ઢગલા ન થાય તેવી આરોગ્યપ્રદ કચરા વ્યવસ્થા ગોઠવવી. આમ વિવિધ વાયદા અને વચનો કોંગ્રેસ નેતાઓ આજે ગાંધીનગર મહાનગર દાવો કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ આ તમામ કમિટમેન્ટ્સ પર તાત્કાલિક કામ કરીને ગાંધીનગરની જનતા સુધી આ સુવિધાઓ પહોંચાડવામાં અંગેની રૂપરેખા જણાવી હતી.









































