અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. મેઘા પીપળીયા ગામે દેરડી રોડ ઉપર પુલ પાસે કૂતરા સાથે બાઈક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. બનાવ અંગે મોટી કુંકાવાવમાં રહેતા છગનભાઈ શંભુભાઈ ગેવરીયા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમની ભત્રીજી વડીયાના ખજુરી ગામના રાજેશભાઈ લાલજીભાઈ કાછડીયાની બાઇક પાછળ બેસીને દેરડીથી ખજુરી ગામે આવતી હતી. આ સમયે મેઘા પીપળીયા ગામના પુલ પાસે પહોંચતા આરોપીએ બાઇક કૂતરા સાથે ભટકાવ્યું હતું. જેના કારણે તેમની ભત્રીજી નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મરણ પામી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એમ. કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે. જાફરાબાદના પીપળીકાંઠામાં રહેતા તિલકભાઈ રાણાભાઈ બારૈયા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, બલાણાથી વઢેરા જવાના રસ્તે એક ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોડ પર અડચણરૂપ પડ્યું હતું. તેમજ સદરહું ટ્રોલીમાં પાર્કિંગ લાઇટ કે અન્ય કોઇ સિગ્નલ ન રાખેલ હોય જેથી તે ટ્રોલીની પાછળ તેમના ભાઇ ભટકાઇ જતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ તેની પાછળ બેસેલ સાહેદને મોઢે તથા શરીરે નાની-મોટી ઇજાઓ થઈ હતી. અજાણ્યો ટ્રેક્ટર ચાલક પોતાના હવાલાનું ટ્રેક્ટર રોડ પર રાખી ત્યાં હાજર મળી આવ્યો નહોતો.










































