શહેરમાં ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીમાં રોકાણ કરનાર રોકાણકારોના લાખો અને કરોડો લઈને સંચાલકો ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે દેશ છોડીને ફરાર થવાની પેરવીમાં રહેલા સંચાલકને મુંબઈ ખાતેથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જા કે હાલમાં અન્ય રોકાણકારોના પૈસા હોય તેને પણ આગળ આવવા પોલીસે અપીલ કરી છે.
ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી યોગેશ મુકેશભાઈ ડોડીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ લુહારી કામ કરે છે અને વિઠ્ઠલવાડીના પ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં રહેણાંક ધરાવે છે. ભાવનગરમાં શ્રી બાપા સીતારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં આશરે ૩૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેના વળતર માટે તેના સંચાલકો પાસે માંગ કરતા વારંવાર વાયદાઓ આપવામાં આવતા હતા. જેથી સમય વિતવા છતાં પણ વળતર નહીં મળતા પોતાની મૂળ રકમ પરત માંગતા ફરી વાયદાઓ મળ્યા હતા. જેને પગલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સંચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
યોગેશ મુકેશભાઈ ડોડીયા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે ૩૦ લાખ જેવી રકમ રોકી હતી. જેમાં નરેશભાઈ શાહ અને અનિલભાઈ પંડ્યા પાસે વારંવાર માંગ કરાઈ હતી. અનિલભાઈ પંડ્યા ચેરમેન હોય અને તેઓ ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ અવસાન પામ્યા હતા. જ્યારે મેનેજીંગ ડિરેક્ટર નરેશ ખીમચંદભાઈ શાહ પોતાનું ઘર બંધ કરીને બહારગામ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ વિશ્વાસઘાત કરીને રોકાણકારોના પૈસા લઈને સંચાલક ફરાર થઈ ગયા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આશરે ૨૦ લોકોના ૩,૨૯,૩૫,૮૮૪ રકમ સામે આવી છે. જ્યારે સંભાવના છે કે રોકાણકારોના ૩૦ થી ૪૦ કરોડ રૂપિયા હોય શકે.
મળેલી ફરિયાદ બાદ ભાવનગરની એલસીબી પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. ૧૩ લોકોના રોકાણકારોના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એલસીબી પોલીસે મેનેજીંગ ડિરેક્ટર નરેશ ખીમચંદ શાહ બાતમીને આધારે મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. નરેશ ખેમચંદ શાહ દેશ છોડીને કેનેડા જવાની પેરવીમાં હોવાની વાત પોલીસને મળતા તાત્કાલિક મુંબઈ પહોંચીને નરેશ ખીમચંદ શાહને ઝડપી લીધો હતો. જા કે પોલીસને શંકા છે કે ૩૦ થી ૪૦ કરોડ જેવી રકમ રોકાણકારોની હોય ત્યારે અન્ય રોકાણકારો પણ સામે આવે તેવી અપીલ કરી છે.









































