બાબરામાં રહેતી એક પરિણીતાએ ‘તમારા દીકરાને ઘરે રાખવો હોય તો મને વાંધો નથી’ તેમ કહેતાં તેને ફટકારવામાં આવી હતી. પરિણીતાએ વર્ષ ૨૦૨૩માં પ્રેમલગ્ન કર્યા હતા. બનાવ અંગે વર્ષાબેન ધવલભાઈ દેત્રુજા (ઉ.વ.૩૩)એ પતિ ધવલભાઈ રવજીભાઈ દેત્રુજા, મંજુબેન રવજીભાઈ દેત્રુજા, રવજીભાઈ દેત્રુજા તથા પારસભાઈ રવજીભાઈ દેત્રુજા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે ૨૦૨૩માં ધવલભાઈ રવજીભાઈ દેત્રુજા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બાબરા મુકામે ભાડાના મકાનમાં રહેતા હતા.અન્ય આરોપીઓ તેના પતિને તેની વિરુધ્ધ ચડામણી કરતા હતા, જેથી પતિ મૂંઢમાર મારી, ગાળો આપી ઝઘડો કરતો હતો. તેમણે તા.૨૬/૦૭/૨૦૨૬ના રોજ પોતાની સાસરીમાં જઈ સસરા રવજીભાઈ દેત્રુજાને કહ્યું હતું કે, ‘તમારા દીકરાને ઘરે રાખવો હોય તો મને વાંધો નથી, પરંતુ જ્યારે હોય ત્યારે તે મારા ઘરે આવી મને માર શું કામ મારે છે?’ તેમ કહેતાં તમામ આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી હતી. પતિએ તેમને મોઢાના ભાગે ઝાપટ મારી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. અન્ય આરોપીઓ અવારનવાર નાની-નાની વાતોમાં મેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.





































